પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા

 

— સોશ્યલ મીડીયાના માધ્યમથી 12.75 કરોડ ભક્તો ઘરે બેઠા સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા

 સોમનાથઃ  પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવ ખાતે 10 લાખથી વધુ ભક્તોએ પ્રત્યક્ષ તથા 12 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ઘરે બેઠા ઑનલાઇન માધ્યમથી મહાદેવના દર્શન કર્યા હતા. શ્રાવણ માસનો પ્રારંભ 29 જુલાઇએ થયો હતો અને 27 ઓગસ્ટે  શ્રાવણની પુર્ણાહુતી થઈ હતી.

શ્રાવણ માસની પુર્ણીમા, ચાર સોમવાર, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગીયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 10 લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમ્યાન યોજાતી પાલખીયાત્રા, માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિ યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.

શ્રાવણ માસ પર્યન્ત દેવાધિદેવ સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા 390 ધ્વજા રોપણ, 510 સોમેશ્વર મહાપૂજન, 84 સવાલક્ષ બિલ્વપૂજા, 6865 રૂદ્રાભિષેક, 2,493 બ્રાહ્મણભોજન સહિતની પુજાવિધિ સાથે  4595 મહામૃત્યુંજય મંત્રજાપ  કરી ધન્યતા અનુભવી હતી. આ ગાળા દરમિયાન શ્રી સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે યોજવામાં આવતા મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. જેના કારણે માસ પર્યન્ત 16,088 યાત્રીકો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી આમ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 3,37,848 યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી.

સોમનાથ મહાદેવના દર્શને આવનાર કોઈપણ ભક્ત ભૂખ્યું ન જાય એ ધ્યેય વાક્ય બનાવીને સોમનાથ ટ્રસ્ટે વધુમાં વધુ ભક્તોને ભોજન પ્રસાદનો લાભ આપ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં 90 હજારથી વધુ ભક્તોએ ભોજનપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી, આ ઉપરાંત વિવિધ સામાજીક સંસ્થાઓ, ભક્તો દ્વારા શ્રાવણ માસ દરમીયાન હજારો યાત્રીઓને ફલાહાર કરાવવામાં આવ્યું હતું.

યાત્રીકો દ્વારા સોમનાથ મહાદેવને પુજાવિધિ, ડોનેશન સ્વરૂપે કેશ, ઇ-પેમેન્ટ, કાર્ડ સ્વાઇપ દ્વારા 2.37 કરોડની રકમ અર્પણ કરવામાં આવી. ભક્તોએ 30.23 લાખની કુલ કિમતના ધાર્મિક પૂજાવિધિ માટે ઉપયોગમાં લઈ શકે તેવા ચાંદીના સીક્કા સ્મૃતિ ચિહ્ન તરીકે ખરીદ્યા હતા. સોમનાથ મહદેવની પ્રસાદી સ્વજનો માટે સાથે લઈ જવા માટે યાત્રીઓમાં હમેશાં ઉત્સાહ જોવા મળે છે. ત્યારે યાત્રીઓની સુલભતા માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ  કાઉન્ટર શરૂ કરાયા હતા, જેનો લાભ લઇ યાત્રીઓ પોતાના અને સ્વજનો માટે 3.23 કરોડનો પ્રસાદ સાથે લઇ ગયેલ હતા. મંદિરની પ્રસાદ, પુજાવિધી, ડોનેશન,ચાંદિના સીક્કા સહિતની કુલ આવક 5.90 કરોડ જેટલી થઈ હતી.

શ્રાવણ દરમિયાન અનેક મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં દેશના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકૈયા નાયડુજી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી પ્રકાશ જાવડેકર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી નિમાબેન આચાર્ય, ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ સર્વ શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી પુર્ણેશભાઇ મોદી,  શ્રી કુબેરભાઇ ડીંડોર, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી મનિષાબેન વકીલ, ઉપરાંત કર્ણાટકના પુર્વ રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, સહિતના મહાનુભાવો સોમનાથ પધાર્યા હતા.

સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકોને ઘરે બેઠા થઈ શકે તેના માટે સોશ્યલ મીડિયા મહત્વનું માધ્યમ બન્યું હતું. જેમાં ટ્રસ્ટ દ્વારા વિવિધ શોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર 45 દેશમાં વસતા 12.75 કરોડ થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પુજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો