હિંદુ તહેવાર દિવાળી નજીક આવતા જ દિલ્હીમાં કેજરીવાલે ફટાકડા પર મૂક્યો પ્રતિબંધઃ તથ્યો કહે છે કે ફટાકડાને પ્રદૂષણ સાથે કોઇ લેવાદેવા નથી

નવી દિલ્હીઃ વિવિધ ફોરમ ઉપર એક કરતાં વધુ વખત એ સાબિત થઈ ચૂક્યું છે કે, દિવાળી દરમિયાન એક કે બે દિવસ માટે ફોડવામાં આવતા ફટાકડાથી કોઈ ચિંતાજનક હવે પ્રદૂષણ થતું નથી, તેમ છતાં હિન્દુ વિરોધી કેજરીવાલ સરકારે આ વર્ષે પણ દિલ્હીમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.

કેજરીવાલ સરકારના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે બુધવારે એક નિવેદન જારી કરીને અત્યારથી શરૂ કરીને આગામી પહેલી જાન્યુઆરી, 2023 સુધી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. કેજરીવાલ સરકાર દ્વારા જારી આ નિવેદન અનુસાર દિલ્હીમાં ફટાકડાનું ઑનલાઇન વેચાણ કે ઑનલાઇન ખરીદી કે પછી ફટાકડાનો કોઇપણ રીતે સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. યાદ રહે, ફટાકડાનું ઑફલાઇન ખરીદ-વેચાણ તો પહેલેથી બંધ છે.

કેજરીવાલના પ્રધાન ગોપાલ રાયે નિવેદનમાં કહ્યું કે, દિલ્હીના લોકોને પ્રદૂષણથી બચાવવા ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ફટાકડાના ખરીદ – વેચાણ અને સંગ્રહ ઉપર આ વર્ષે પણ પ્રતિબંધ રહેશે.

જોકે, અનેક લોકોની સક્રિયતાને કારણે ઘણી વખત એ સાબિત થઈ ચૂક્યું છે કે દિલ્હીના પ્રદૂષણને ફટાકડા સાથે ખાસ કોઈ લેવાદેવા નથી. દિલ્હીમાં પ્રદૂષણનું કારણ પંજાબ-હરિયાણામાં ખેડૂતો દ્વારા સળગાવવામાં આવતી પરાળી (કૃષિ પાકની કાપણી પછી રહી જતો ઓર્ગેનિક કચરો) ને કારણે પ્રદૂષણ થાય છે. પરાળી સળગાવવાની પ્રવૃત્તિ દિવાળી પહેલાં શરૂ થાય છે અને ખેતીની નવી સિઝન આવે ત્યાં સુધી એ ચાલુ રહે છે.

આ સંદર્ભમાં ગુજરાતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સુજિત પટેલે પણ RTI કરીને માહિતી મેળવી હતી. તેમણે કરેલી અરજીના આધારે દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ ગયા મહિને જ એટલે કે ઑગસ્ટ 2022માં જે જવાબ આપ્યો છે તેના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે, દિલ્હીના પ્રદૂષણને ફટાકડા ફોડવા સાથે કોઈ લેવાદેવા નથી.

દિલ્હી પ્રદૂષણ બોર્ડે સુજિત પટેલે માગેલી માહિતીના જવાબમાં પૂરા એક વર્ષના એટલે કે સપ્ટેમ્બર 2021થી શરૂ કરીને ઑગસ્ટ 2022 સુધી પ્રતિમાસ દિલ્હીમાં કેટલું પ્રદૂષણ રહ્યું તેનો જવાબ આપ્યો છે. તેના આધારે દીવા જેવું સ્પષ્ટ થાય છે કે, હિન્દુ વિરોધી કેજરીવાલ સરકાર દિલ્હીના પ્રદૂષણ માટે દિવાળીના ફટાકડાને જવાબદાર ગણે છે એ તદ્દન ખોટું છે.

દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપેલી પૂરા એક વર્ષની આંકડાકીય વિગતો અનુસાર દિલ્હીમાં લગભગ આખું વર્ષ પ્રદૂષણની સ્થિતિ રહે છે. તે અનુસાર નબળું અને ચિંતાજનક ગણી શકાય એવાં પ્રદૂષણના દિવસો સરેરાશ દર મહિને 15 થી 20 દિવસ હોય છે. જ્યારે ચિંતાજનક અને અત્યંત ગંભીર પ્રદૂષણ નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન 10-11 દિવસથી વધારે નથી હોતું.

દરમિયાન આઈઆઈટી દિલ્હી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર દિલ્હીમાં ફટાકડાને કારણે પ્રદૂષણ થતું નથી. ફટાકડા ફૂટે તેના 12 કલાકમાં જ ફટાકડામાંથી નીકળેલા ગેસ નષ્ટ થઈ જાય છે. દિલ્હીમાં પ્રદૂષણનું મુખ્ય કારણ બાયોગેસ બર્નિંગ અર્થાત પરાળી સળગાવવાથી નીકળતા ધૂમાડો છે. આ અભ્યાસ આઈઆઈટી દિલ્હીની વેબસાઈટ ઉપર 26 મે, 2022ના રોજ મૂકવામાં આવ્યો હતો. ( https://home.iitd.ac.in/show.php?id=23&in_sections=Research ) આ અભ્યાસના અનેક મીડિયાએ પણ મે મહિનાના અંતિમ અઠવાડિયામાં દિલ્હીના પ્રદૂષણ અંગેના સામચાર પ્રકાશિત કર્યા હતા, જેમાં ફટાકડા કારણભૂત નહીં હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું.

ટૂંકમાં દિલ્હી પ્રદૂષણ બોર્ડના આ ચાર્ટથી સ્પષ્ટ થાય છે કે દિવાળીના ફટાકડાને કારણે દિલ્હીમાં પ્રદૂષણ થાય છે એ માત્ર ઉપજાવી કાઢેલી વાત છે. દિલ્હીમાં આખું વર્ષ સરેરાશ 15 થી 20 દિવસ પ્રદૂષણની સ્થિતિ ખરાબ જ હોય છે.

દેશ ગુજરાત