ઈડીની કામગીરીથી બેંકોને ડૂબેલા 23,000 કરોડ રૂપિયા પરત મળ્યા, 1 લાખ કરોડથી વધુની સંપત્તિઓ ટાંચમાં

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અર્થા ઈડીનું નામ આજે લગભગ બધાને મોઢે થઈ ગયું છે. વિપક્ષો દિવસ-રાત ઈડીની ટીકા કરતા રહે છે. તો બીજી તરફ સામાન્ય નાગરિકો પણ ઈડીના નામે જોક બનાવતા રહે છે. પરંતુ આવી સ્થિતિમાં પણ પોતાનું કામ કરી રહેલી ઈડીએ છેલ્લા થોડાં વર્ષમાં મોટી કામગીરી કરીને આર્થિક અપરાધીઓની મિલકતો ટાંચમાં લીધી છે અને તેમાંથી અનેક મિલકતો વેચીને રૂપિયા 23,000 કરોડ બેંકોને પરત અપાવ્યા છે.

ઈડીએ છેલ્લા થોડાં વર્ષમાં મિલકતો ટાંચમાં લેવાની 1700 નોટિસ જારી કરી છે. આ તમામ મિલકતોની કુલ રકમ રૂપિયા 1,04,702 કરોડ થાય છે. પરંતુ અનેક કેસમાં હજુ કાનૂની કાર્યવારી ચાલુ હોવાથી મિલકતો વેચવામાં મુશ્કેલી છે. વિજય માલ્યા, નિરવ મોદી તથા મેહુલ ચોક્સી જેવા ભાગેડુઓની પણ મોટાભાગની મિલકત ટાંચમાં લઈ લેવામાં આવેલી છે. આ ભાગેડુઓની 19,000 કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવેલી છે. અન્ય જે મિલકતો ટાંચમાં લેવામાં આવી છે તે પૈકી ઈડીએ જાતે એ મિલકતોનું વેચાણ કરીને રૂપિયા 15,000 કરોડ જે તે બેંકોને પરત અપાવ્યા છે, જ્યારે ટાંચમાં લીધેલી બીજી અનેક મિલકતો જે તે બેંકોને સોંપી છે જેના વેચાણ દ્વારા બેંકોએ પોતે રૂપિયા 8,000 કરોડ પરત મેળવ્યા છે.

ઈડીએ અત્યાર સુધીમાં 8,000 આર્થિક અપરાધીઓને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે અને અનેક સંપત્તિ ટાંચમાં લીધા બાદ તે વેચવાની અને બેંકોને એ રકમ પરત અપાવાની કામગરી ચાલી રહી છે.
દેશમાં ઈડીને પીએમએલએ ઉપરાંત ફેમા હેઠળ પણ આર્થિક અપરાધીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનો અધિકાર મળેલો છે.

2005માં અમલમાં આવેલા પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઈડી અત્યાર સુધીમાં 25 જણને આરોપી તરીકે સજા અપાવી શકી છે. ઈડીએ 2005થી અત્યાર સુધીમાં 5,400 પીએમએલએ કેસ નોંધ્યા છે. પરંતુ વિવિધ કારણોસર અનેક કેસમાં આગળ પગલાં લઈ શકાયા નથી. હવાલાના નાણા વિરોધી આંતરરાષ્ટ્રીય એજન્સી એફએટીએફમાં ટકી રહેવા ઈડીએ હજુ વધારે નક્કર પરિણામલક્ષી કામગીરી કરવી પડે તેવી સ્થિતિ છે. એફએટીએફમાં સમયાંતરે વિવિધ દેશોની એજન્સીઓની સમીક્ષા થાય છે. હવે પછીની સમીક્ષા મે, 2023માં થશે.

દેશ ગુજરાત

#ED