મુખ્યમંત્રી પટેલ શુક્રવારે હરિયાણાના ગુરૂકુળ કુરૂક્ષેત્રની નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટની મુલાકાતે

— હરિયાણાના ગુરૂકુળ કુરૂક્ષેત્ર ખાતે હરિયાણા સરકાર આયોજિત પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે

— હરિયાણાના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી તથા ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી પણ સહભાગી થશે

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, તા.૧૬મી સપ્ટેમ્બરે હરિયાણાના ગુરૂકુળ કુરૂક્ષેત્રની એક દિવસીય મુલાકાતે જશે. હરિયાણા રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરના આમંત્રણથી સહભાગી થવાના છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી આ ગુરૂકુળ કૂરૂક્ષેત્રમાં નેચરલ ફાર્મીંગ ટ્રેનિંગ ઇન્સ્ટીટયૂટ કાર્યરત કરાયેલું છે અને આ ઇન્સ્ટીટયૂટ દ્વારા અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રાસાયણમુકત ખેતી તરફ વાળવાનો સફળ આયામ હાથ ધરાયો છે.

ગુજરાતમાં પણ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિબદ્ધતાથી લાખો કિસાનો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ડાંગ જિલ્લો તો ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો પણ જાહેર થયેલો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘બેક ટુ બેઝિક’નો વિચાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને સાકાર કરવાની દિશામાં ગુરૂકુળ કુરૂક્ષેત્રની મહત્વની ભૂમિકા છે. ગુજરાત અને હરિયાણાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો જે માર્ગ લીધો છે તેની સફળતા અને લાભાલાભના ચર્ચા-પરામર્શ ગુરૂકુલ કુરૂક્ષેત્ર ખાતે યોજાનારી સમીક્ષા બેઠકમાં હાથ ધરાશે.

દેશ ગુજરાત