કોંગ્રેસના ભારત જોડો અભિયાનમાં કોર્પોરેટ નોકરિયાતો બેરોજગાર તરીકે જોડાયા!

તિરુવનંતપુરમઃ  રાહુલ ગાંધીએ શરૂ કરેલી ભારત જોડો યાત્રા રોજેરોજ એક નવા વિવાદને જન્મ આપે છે. આજે આ યાત્રામાં સામેલ થનાર કેટલાક લોકોએ રાહુલ ગાંધી સાથેના તેમના ફોટા શૅર કર્યા ત્યારે ખ્યાલ આવ્યો કે તેમાં બેરોજગાર તરીકે સામેલ થયેલા લોકો વાસ્તવમાં કોર્પોરેટ કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા ધરાવે છે. આ અગાઉ ગઇકાલે જ કેરળના કોંગ્રેસી નેતાઓએ ગરીબ શાકવાળાઓ પાસેથી યાત્રાના નામે ફાળો ઉઘરાવવા માટે બળજબરી કરીને શાકવાળાના ખુમચા તોડી નાખ્યા હતા.

આજે આર્ય બોબન નામની એક યુવતીએ રાહુલ ગાંધી સાથેના તેના ફોટા પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યા ત્યારે કેટલાક ચકોર ટ્વિટર યુઝરોએ થોડા જ કલાકમાં શોધી કાઢ્યું કે, વી નીડ જૉબ્સના બેનર સાથે પોતે બેરોજગાર હોવાનો દેખાવ કરીને રાહુલ ગાંધીની સાથે ફોટા પડાવનાર એ યુવતી તો ઓરિએન્ટલ ગ્રુપ નામની કંપનીમાં સેન્ટર હેડ તરીકે કામગીરી કરે છે. આ જ યુવતી અગાઉ આરોગ્ય આયુર્વેદ નર્સિંગ કૉલેજમાં પણ કામ કરી ચૂકી છે તે ઉપરાંત કેરળના પંદલમ ખાતે ઓએસિસ ટેકનિકલ એજ્યુકેશનમાં પણ કામ કરી ચૂકી છે.

અંકુર સિંહ તેમજ લાલા નામના ટ્વિટર યુઝરોએ એ વાતનો પણ પર્દાફાશ કરી દીધો કે પોતાને બેરોજગાર તરીકે દર્શાવનાર આર્યા બોબન નામની યુવતી અત્યંત આધુનિક આઈફોન પણ વાપરે છે.

આમ ફેક ભારત જોડો યાત્રામાં સામેલ થઈ રહેલા લોકો પણ ફેક છે. રાહુલ ગાંધી એક તરફ બેરોજગારીના નામે કેન્દ્ર સરકારની ટીકા કરે છે, પરંતુ તેમની સાથે આ પદયાત્રામાં જે લોકો સામેલ છે તેઓ કોર્પોરેટ કંપનીઓમાં ઊંચા હોદ્દાની નોકરી કરનારા છે.

આર્યા બોબન નામની યુવતિ તો રાહુલ ગાંધીની બાજુમાં જ હતી અને તેણે તેના સોશિયલ મીડિયા ઉપર શૅર કર્યું એટલે દેશને ખ્યાલ આવ્યો કે ઉચ્ચ હોદ્દાની નોકરી ધરાવનારા પોતાને બેરોજગાર તરીકે દર્શાવે છે, પરંતુ અન્ય જે લોકો રાહુલ ગાંધીની સાથે ફોટા પડાવી રહ્યા છે એ યુવકોમાંથી પણ શક્ય છે કે એ કાંતો કોંગ્રેસના જ કાર્યકરો હોય અથવા એવા કોંગ્રેસ સમર્થક યુવાનો હોય જેઓ કેરળમાં જ ક્યાંક સારી નોકરી કે રોજગારમાં સામેલ હોય.

દેશ ગુજરાત