શું આમ આદમી પાર્ટીને ગુજરાતમાં દારુબંધી પચતી નથી?

વેરાવળઃ  આમ આદમી પાર્ટીને ગુજરાતમાં દારુબંધી નડતરરૂપ લાગતી હોય એવું લાગે છે. સૌરાષ્ટ્રમાં આપ-ના એક નેતાનો પ્રવચન કરતો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એવું કહેતા સાંભળવા મળે છે કે, આખી દુનિયામાં માત્ર ગુજરાતના સાડા છ કરોડ લોકો માટે જ દારુબંધી છે. દુનિયાના 196 દેશોમાં 800 કરોડની વસ્તી છે, ભારતમાં 130 કરોડની વસ્તી છે, એ બધા દારૂ પીવે છે પરંતુ સાડા છ કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં જ માત્ર દારૂબંદી છે. એનો અર્થ એ છે કે દારૂ ખરાબ વસ્તુ નથી.

આમ આદમી પાર્ટીના આ નેતા કોઈ ગામડામાં જે મંચ પરથી બોલી રહ્યા છે ત્યાં આપ-ના વેરાવળના જાહેર થયેલા ઉમેદવાર જગમાલ વાળાનું નામ લખવામાં આવેલું છે. અને ત્યાંથી તેઓ ગુજરાતની દારૂબંદી વિરુદ્ધ આવાં નિવેદન કરી રહ્યા હોવાનું દેખાય છે.

આ વીડિયો અનુરાગ ચઢ્ઢા નામના એક પત્રકારે શૅર કર્યો છે. તેમના ટ્વિટને રિશૅર કરતાં વિજય પટેલે લખ્યું છે કે, શું આપ હવે ગુજરાતમાં પણ દારૂની દુકાનો ખોલવા માગે છે? લાગે છે કે વિજય પટેલનો ઈશારો દિલ્હીની હવે પાછી ખેંચી લેવામાં આવેલી શરાબ નીતિ તરફ લાગે છે જ્યાં દારૂના વેપારીઓને તેઓ ઇચ્છે તેટલો દારૂ, રાત્રે ત્રણ વાગ્યા સુધી વેચવાની કેજરીવાલ સરકારે પરવાનગી આપી હતી જેને પગલે ભારે વિવાદ થતાં એ નવી એક્સાઇઝ નીતિ પાછી ખેંચવાની દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને ફરજ પડી હતી.

દેશ ગુજરાત