સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ના બીજા ચરણનો દરિયાઈ માર્ગે માંગરોળથી પ્રારંભ

જૂનાગઢઃ      ભારત સરકારના મત્સ્ય પાલન પશુપાલન અને ડેરી બાબતોના કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ના બીજા ચરણનો દરિયાઈ માર્ગે માંગરોળથી પ્રારંભ કર્યો હતો. આ સાથે મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોએ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ OBM એન્જિન, GPS, વાયરલેસ ઈન્ફયુલેટેડ વ્હીકલના લાભોનું  વિતરણ કરવામાં આવ્યું હતું.

સાગર પરિક્રમા યાત્રાના આરંભ પૂર્વે માંગરોળના રામલીલા મેદાનમાં વિશાળ જનસભા સંબોધતા મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સાગરખેડુઓના ઉત્કર્ષ માટે PM મત્સ્ય સંપદા યોજના હેઠળ માતબર રૂ.૨૦,૦૦૦ કરોડનું જંગી અનુદાન ફાળવ્યું છે. આ સાથે જ મત્સ્ય ક્ષેત્રના આંતરમાળખાકીય વિકાસ માટે રૂ.૧૫,૦૦૦ કરોડના બજેટની જોગવાઈ કરી છે. એટલું જ નહીં માછીમારોના વિકાસ માટે અને આ ઉદ્યોગને વેગ આપવા માટે પ્રધાનમંત્રીશ્રીએ એક અલાયદા મંત્રાલયની રચના કરી છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ૩ લાખનું ધિરાણ ઉપલબ્ધ કરાવતું કિસાન ક્રેડિટ કાર્ડ માત્ર ખેડૂતો પૂરતું સીમિત ન રાખતા તેમાં સાગરખેડુઓનો પણ સમાવેશ કર્યો છે.  જેથી માછીમારી સાથે જોડાયેલા લોકોને ત્રણ લાખનું ધિરાણ ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર ૩ અને રાજ્ય સરકાર ૪ ટકા વ્યાજ સહાય આપી રહી છે. જેથી સાગર ખેડુઓ દેવામાં ગરકાવ થવાથી બચી રહ્યા છે. આમ, ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે.

ગુજરાત રાજ્ય મત્સ્ય પેદાશોના ઉત્પાદનમાં દેશમાં અગ્રસ્થાને છે ત્યારે ગુજરાત મત્સ્ય પેદાશોના નિકાસ માટે વધુ યોગદાન આપે તેનાથી દેશની આવકમાં વૃદ્ધિ થવાની સાથે માછીમારોના આર્થિક વિકાસને વેગ મળશે. તેમ જણાવતા મંત્રી શ્રી રૂપાલાએ કહ્યું કે, દેશ-ગુજરાતમાં ડીપ ફિશિંગ વણખેડ્યું રહ્યું છે. ઉપરાંત મત્સ્યદ્યોગ ક્ષેત્રે પ્રોસેસિંગના વિકાસની અપાર સંભાવના રહેલી છે. આ દિશામાં નવીન ટેકનોલોજી અપનાવી મત્સ્યદ્યોગને વેગ આપી શકાશે. તેમણે કહ્યું કે, દરિયા કિનારા નજીક માછલીઓ મળતી નથી. જેથી ભારત સરકારે સ્ટોક રિન્ચિંગ માટે જુદા જુદા પગલાં લઈ રહી છે.

કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રાનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, આ યાત્રા પ્રવાસ કે ટુરીઝમ માટે નથી પરંતુ માછીમાર સાગર ખેડુઓના જુદા-જુદા પ્રશ્નો સમસ્યાઓનો તાગ મેળવી શકાય, જળ સૃષ્ટિ જાણી શકાય, માછીમાર સમુદાયના આવાસ-નિવાસ અને સંસ્કૃતિની જાણકરી મળી રહે અને નવા બનેલા આ મંત્રાલય નીતિ ઘડતરમાં પણ ઇનપુટ્સ આપી શકાય.

મંત્રીશ્રીએ સાગરખેડુને  દરિયાઈ સીમાના સાચા સિપાહી ગણાવતા કહ્યું કે, માંગરોળના ખારવા સમાજનું ૧૯૭૧ના યુદ્ધમાં પણ મહત્વનું યોગદાન રહ્યું છે. માંગરોળના દરિયા કિનારે યુદ્ધ જહાજો પહોંચી શકતા ન હતા ત્યારે, આ સમુદાયે યુદ્ધ માટે દારૂગોળો અને સૈનિકોને ભોજન મધદરિયે પોતાની બોટ મારફત ભોજન પહોંચાડ્યું છે. આમ, મંત્રીશ્રીએ ખારવા સમાજની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જણાવ્યું છે, સાગર પરિક્રમા યાત્રા એક આગવી શરૂઆત છે. જેના થકી માછીમાર સમુદાયના વિવિધ પ્રશ્નોના મૂડમાં પહોંચી તેનો ઉકેલ લાવી શકાય. ગુજરાત રાજ્ય વિશાળ દરિયા કિનારો ધરાવે છે ત્યારે આ યાત્રા થકી મત્સ્યદ્યોગને નવો વેગ મળવાનો છે. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સાગરખેડુ સંમેલન યોજી, માછીમાર સમુદાયને નવી ઓળખ આપવાની સાથે મુખ્ય ધારામાં જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.

આ પ્રસંગે નેશનલ ફિશરિઝ ડેવલપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. સી. સુવર્ણાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય જળ સંપત્તિથી સંપન્ન છે અને ૧૬૦૦ કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેથી દેશમાં મત્સ્ય પેદાશોના ઉત્પાદનમાં ૧૮ ટકા જેટલો હિસ્સો છે. આ સાથે ભરપૂર જૈવ વૈવિધ્યતા ધરાવતા દેશના તટીય ક્ષેત્રનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યુ કે, નવાબંદર સહિત સૌરાષ્ટ્રના ૩ બંદરોના આંતરમાળખાકીય વિકાસ માટે કેન્દ્ર સરકારે રૂ.૭૮૫ કરોડ મંજૂર કર્યા છે, તેમજ સૌરાષ્ટ્રના અન્ય બંદરોના વિકાસ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પ્રગતિશીલ સાગરખેડુ શ્રી સાગરભાઈ મોતીવરશે મત્સ્યપાલન ક્ષેત્રની કેન્દ્ર-રાજ્ય સરકારની કલ્યાણકારી  યોજનાઓથી પોતાની આવકમાં થયેલી વૃદ્ધિ અંગે અને આ યોજનાઓથી થતા ફાયદા વર્ણવ્યા હતા.

દેશ ગુજરાત