લોકપ્રિય રમત ખો-ખોનાં મૂળ છેક મહાભારતની કથા સુધી પહોંચે છે!

— મહાભારત યુદ્ધમાં મહાન ગુરૂ દ્રોણાચાર્ય દ્વારા રચિત ચક્રવ્યૂહ સાથે છે ખોખોનું ખાસ કનેક્શન 

— વિશેષજ્ઞોના મત મુજબ ખોખો રમતની ઉત્પત્તિ મહારાષ્ટ્રમાં થઈ

— ‘ખોખોશબ્દ મુળ સંસ્કૃત શબ્દસ્યુપરથી આવ્યો, જેનો અર્થ છેઉઠો અને જાઓ

— ખોખો રમતમાં પારંગતતા પ્રાપ્ત કરવા માટે ઝડપ અને ચપળતાના કૌશલ્યો હોવા ખૂબ જરૂરી

 અમદાવાદઃ    ગુજરાત ૨૪ સપ્ટેમ્બર,૨૦૨૨ (શનિવાર)થી શરૂ થતી ૩૬મી નેશનલ ગેમ્સના આયોજનને લઈ તૈયાર છે. સંસ્કારધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં ખો-ખો સહિત કુલ ત્રણ સ્પર્ધા યોજાવાની છે.

પરંપરાગત પ્રાચીન ગ્રામીણ ભારતીય રમત ખો-ખોના ઇતિહાસ પર નજર કરીએ તો તેનાં મૂળ છેક મહાભારતની કથા સુધી પહોંચે છે. મહાભારત યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્ય દ્વારા ચક્રવ્યૂહ રચવામાં આવે છે અને તેનું ભેદન વીર અભિમન્યુ કરે છે. આ ચક્રવ્યૂહમાં લડવા માટે રિંગ પ્લેની શૈલી જેવી એક લડત શૈલી અપનાવવામાં આવે છે, જે ખો-ખોની રમતમાં રક્ષણાત્મક રણનીતિનો મહત્વનો ભાગ હોય છે.

ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં ખો-ખો ખૂબ જ લોકપ્રિય રમત છે. વિશેષજ્ઞો મુજબ ખો-ખો રમતની ઉત્પતિ મહારાષ્ટ્રમાં થઈ હોવાનું માનવામાં આવે છે. 20મી (સંભવત વર્ષ ૧૯૧૪થી…) સદીની શરૂઆતમાં ઉત્પત્તિ થઈ એવું મનાય છે અને ત્યારબાદ આ રમત આધુનિક રમત તરીકે ફેમસ બની. આઉટડોર ગેમ્સ તરીકે ખો-ખો એક રોમાંચક ગેમ છે. ભારતમાં વર્ષ ૧૯૫૭માં પરંપરાગત ભારતીય રમત ખો-ખોને આગળ ધપાવવા માટે ‘ઓલ ઇન્ડિયા ખો-ખો ફેડરેશન’ની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ વર્ષ ૧૯૫૯-૬૦માં આંધ્રના વિજયવાડામાં પુરુષો માટે પ્રથમ ‘ઓલ ઇન્ડિયા ખો-ખો ચૈમ્પિયનશિપ’ આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધા અંગે ત્યારે લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. વર્ષ ૧૯૬૦-૬૧મા મહિલા વર્ગ માટે પણ સૌપ્રથમવાર ચૈમ્પિયનશિપ યોજાઈ હતી. ખો-ખોને વર્ષ ૧૯૮૨માં નવી દિલ્લી ખાતે યોજાયેલા એશિયાઈ રમત ઉત્સવમાં સૌપ્રથમવાર પ્રદર્શની ગેમ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવી. પછી તો ખો-ખોની ખ્યાતિ વધવા લાગી. વર્ષ ૧૯૯૬માં કોલકાતા ખાતે પ્રથમવાર એશિયાઈ ચૈમ્પિયનશિપ આયોજિત થઈ તથા વર્ષ ૨૦૧૬થી દક્ષિણ એશિયાઈ ચૈમ્યિનશિપમાં ‘મેડલ ગેમ’ તરીકે ખો-ખોને સામેલ કરવામાં આવી. અત્યારે ખો-ખો ૨૫થી વધુ દેશોમાં રમવામાં આવે છે.

ખો-ખોમાં  રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને અલગ અલગ  રાજ્ય ‘એકલવ્ય’ અને ઝાંસીની રાણી ‘લક્ષ્મીબાઈ’ જેવા પુરસ્કાર આપે છે. વર્ષ ૧૯૭૦-૭૧માં પ્રથમવાર જૂનિયર પુરુષ ચૈમ્પિયનશિપ હૈદરાબાદ ખાતે યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્ર વિજેતા રહ્યું હતું. આ જ વર્ષમાં ખો-ખોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ‘વીર અભિમન્યુ’ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૭૪-૭૫માં એમ.પીના ઇંદોરમાં મહિલાઓ માટે પણ જૂનિયર ચૈમ્પિયનશિપ યોજાઈ. વર્ષ ૧૯૮૨થી ખો-ખો રમતને ભારતીય ઓલમ્પિક સંઘના ભાગના રૂપમાં સામેલ કરવામાં આવી.

રમતના મેદાનમાં જયારે ખો-ખો પ્લેયર્સ રમતાં હોય અને સ્પીડથી દોડીને ડાઈવ લગાવી હરીફ ટીમના પ્લેયરને પકડતા હોય ત્યારે એ જોવાનો લ્હાવો એક અલગ જ પ્રકારનો રોમાંચ જન્માવે છે. આજે તો ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઉપરાંત ભારતના અનેક સ્ટેટમાં ખો-ખો રમાય છે. ગુજરાતના તાપી વિસ્તારમાં અનેક યુવાઓ આ ગેમમાં પાવરધા છે. આ ગેમની વિશેષતા એ છે કે, આ ગેમ રમનાર પ્લેયર્સ ઊર્જાવાન હોવાની સાથે જોશીલા હોય છે! ચપળતા અને ઝડપ એવી કે, જે પ્રેક્ષક તરીકે આપણને સંપૂર્ણ ગેમ જોવાની સાથે સતત જકડી રાખે. અલગ જ મજા છે, ખો-ખોને માણવાની અને રમવાની! તો છો ને તૈયાર ગુજરાતીઓ?? ખો-ખો રમતને જોવાનો લ્હાવો માણવા માટે! નેશનલ ગેમ્સ-૨૦૨૨ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, અમદાવાદ ખાતે જામવાનો છે ખો-ખો જંગ! તા.૩૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર-૨૦૨૨ સુધી પુરુષ અને મહિલા ટીમો વચ્ચે યોજાશે સ્પર્ધા. Let’s be ready for Celebrating unity through sports!

દેશ ગુજરાત