અમિત શાહ દ્વારા સાણંદમાં 350 પથારીની ઈએસઆઈસી હોસ્પિટલનો શિલાન્યાસ

સાણંદઃ   કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે આજે સાણંદમાં 350 બેડની હોસ્પિટલના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો. ઈએસઆઈસી હોસ્પિટલના શિલાન્યાસ બાદ ઉપસ્થિત મહેમાનોને સંબોધતા અમિતભાઈ શાહે કહ્યું હતું કે, આગળ જતાં આ હોસ્પિટલને 500 બેડની કરવામાં આવશે.

અમિત શાહે જણાવ્યું કે, આ ક્ષેત્રના કેટલાક ઉદ્યોગપતિઓએ આજે સવારે તેમની સાથે વાત કરી હતી અને દસ કરોડ રૂપિયા સુધીની મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.

આ અગાઉ આજે ભાડજ ખાતે ઓવરબ્રિજના લોકાર્પણ તથા વિરોચનનગર ખાતે ઈએસઆઈસી આરોગ્ય સુવિધા કેન્દ્રનો ઉલ્લેખ કરીને અમિત શાહે કહ્યું હતું કે, આજના દિવસમાં બધાં કામોની સંયુક્ત ગણતરી કરવામાં આવે તો ઓછામાં ઓછા રૂપિયા 1,100 કરોડનાં વિકાસનાં કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે.

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ગુજરાત સરકારે કરેલી કામગીરીના વખાણ કરતા કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું હતું કે, પોતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરવા માગે છે કે તેઓ જ્યારે આ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવા આવે ત્યારે જ તેને 500 બેડની કરવા માટેની કામગીરી શરૂ કરાવી દેવી જોઇએ કેમ કે આ ઔદ્યોગિક વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં શ્રમિકો છે અને તેથી વધારે ક્ષમતાની હોસ્પિટલની જરૂર પડશે.

અમિતભાઈ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પણ આખા દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કરવામાં આવેલી કામગીરી વિશે વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, આયુષ્યમાન ભારત યોજના હેઠળ કરોડો ગરીબોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તે ઉપરાંત આખા દેશમાં મેડિકલ સુવિધાઓ વધારવા ઉપર ખાસ ધ્યાન આપવામાં પણ આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે 2013-14માં દેશમાં મેડિકલ કૉલેજોની સંખ્યા 387 હતી તે 2021-22માં વધીને 596 થઈ છે. તે ઉપરાંત મેડિકલની સીટો પણ હવે વધીને 90,000 થઈ ગઈ છે. પીજી સીટ જે અગાઉ 31,000 હતી તે વધારીને 60,000 કરવામાં આવી હોવાનું અમિત શાહે જણાવ્યું હતું.

અમિતભાઈ શાહે ઉમેર્યું હતું કે સાણંદ તાલુકાના બધાં ગામોને સ્વાસ્થ્ય સુવિધા મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને કામગીરી કરશે.

દેશ ગુજરાત