સરદાર સરોવર ડેમના હાઇડ્રોપાવર એકમમાં આ વર્ષે બે-ગણું વીજ ઉત્પાદન થયું

કેવડિયાઃ  સરદાર સરોવર ડેમ ખાતે બનાવવામાં આવેલા હાઇડ્રોપાવર વીજ એકમમાં આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં બે-ગણું વીજ ઉત્પાદન થયું છે. ડેમના સ્રાવ વિસ્તારમાં પ્રમાણમાં ખૂબ સારો વરસાદ થયો હોવાથી સરદાર સરોવર ડેમ તેની પૂરી ક્ષમતામાં ભરાયો છે અને પરિણામે ત્યાં 2,142 મિલિયન યુનિટ હાઇડ્રોપાવર વીજળી ઉત્પન્ન થઈ છે.

ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર આ વર્ષે ગુજરાત અને પાડોશી મધ્યપ્રદેશ બંને રાજ્યમાં ખૂબ સારો વરસાદ થયો છે. તેને પગલે કેવડિયાસ્થિત રિવર બેડ પાવર હાઉસ (આરબીપીએચ) ખાતે 20 સપ્ટેમ્બર સુધીમાં 2,142 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થઈ હતી. ગયા વર્ષે આ જ ગાળામાં સપ્ટેમ્બર 2021ના અંત સુધીમાં 1,129 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું હતું. આરબીપીએચની વીજ ઉત્પાદન ક્ષમતા 1,200 મેગાવૉટ છે.

આ વર્ષે જે 2,142 એમયુ વીજળની ઉત્પાદન થયું તે પૈકી 1849 એમયુનું ઉત્પાદન જુલાઈ, ઑગસ્ટના ચોમાસાના સમયગાળામાં થયું છે. સૌથી વધુ 901.298 એમયુ વીજ ઉત્પાદન ઑગસ્ટ મહિનામાં થયું હતું.

આ વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ ડેમ તેની 138.68  મીટરની પૂરી ક્ષમતાએ ભરાઈ ગયો હતો. 2017ની 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને સમર્પિત કર્યો ત્યારબાદ અત્યાર સુધીમાં ત્રીજી વખત ડેમ તેની પૂરી ક્ષમતાએ ભરાયો હતો. અગાઉ 15 સપ્ટેમ્બર, 2019ના રોજ અને ત્યારબાદ 17 સપ્ટેમ્બર, 2020ના રોજ સરદાર સરોવર ડેમ છલકાયો હતો.

દેશ ગુજરાત