નરેન્દ્રભાઈ મોદીને સૌથી મોટી સાઇઝના ઘઉંના દાણામાંથી બનાવેલું તેમનું ચિત્ર ભેટ આપતા જીતુભાઈ વાઘાણી

— લોકભારતી દ્વારા સંશોધિત સૌથી મોટી સાઈઝના પ્રાકૃતિક લોક-1 જાતના ઘઉંના દાણામાંથી બનાવવામાં આવ્યું વડાપ્રધાનનું ચિત્ર

ગાંધીનગરઃ  ગુજરાતના શિક્ષણમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ભાવનગર મુલાકાત દરમિયાન ઘઉંના દાણામાંથી બનાવેલું તેમનું ચિત્ર અર્પણ કર્યું હતું. વિશ્વ પ્રસિદ્ધ નોબેલ પુરસ્કૃત ડૉ. નોર્મલ બૉરલોએ જેને વિશ્વના સૌથી મોટી સાઈઝના ઘઉંનું બિરૂદ આપેલું છે તેવા ગુજરાતની લોકભારતી સંસ્થા દ્વારા સંશોધિત પ્રાકૃતિક લોક-1 ઘઉંની જાતના દાણામાંથી આ ચિત્ર બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. સવારે સુરતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ તેમણે ભાવનગર ખાતે પણ અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

લોકભારતી ભારતની એકમાત્ર એવી સંસ્થા છે, જેણે ઘઉંની લોક-1 જાતનું સંશોધન કર્યું છે. વર્ષ 1981 થી ભારતની ઘઉંની તમામ જાતોમાં આ જાત સર્વશ્રેષ્ઠ છે. આ એક માત્ર જાત એવી છે કે, જે છેલ્લા 40 વર્ષથી ટકેલી છે તેમજ હજુપણ અસ્તિત્વ ધરાવે છે. દેશના 16 રાજ્યોમાં 30 લાખ હેક્ટર વિસ્તારમાં લોક-1 જાત ઉગાડવામાં આવે છે. લોક-1 નો ઉપયોગ કરીને ખેડૂતો 8 ટકા વધુ ઉપજ પ્રાપ્ત કરી શકે છે, જેના કારણે વાર્ષિક રાષ્ટ્રીય નફો રૂપિયા 200 કરોડ સુધીનો પ્રાપ્ત થાય છે. દેશની હરિયાળી ક્રાંતિમાં અને ખાદ્ય સુરક્ષામાં આ એક અભૂતપૂર્વ યોગદાન છે.

દેશ ગુજરાત