સોલાર રૂફટોપ સબસિડી યોજના માર્ચ-૨૦૨૫ સુધી લંબાવવામાં આવી

  • — અત્યાર સુધી રૂ.2000 કરોડની સહાયથી ત્રણ લાખથી વધુ વીજ ગ્રાહકોને ત્યાં સોલાર સિસ્ટમનું સ્થાપન કરવામાં આવ્યું
  • — આ નિર્ણય થકી ત્રણ વર્ષમાં રાજ્યના ૭ લાખ જેટલા રહેણાંક ગ્રાહકોને અંદાજીત રૂ।.૪૯૮૯ કરોડ સબસિડીનો લાભ મળશે

ગાંધીનગરઃ   દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રહેવાના સ્વપ્નને વેગ આપવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર દ્વારા “સૂર્ય ગુજરાત” યોજનાનો કાર્યાત્મક સમયગાળો લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૯થી શરૂ કરાયેલી આ “સૂર્ય ગુજરાત” યોજનાની સમય મર્યાદા માર્ચ-૨૦૨૨ સુધીની હતી. સોલાર રૂફટોપ ઉપર સબસિડી આપતી આ યોજનાનો કાર્યાત્મક સમયગાળો માર્ચ-૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યો છે તેમ ઊર્જા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આ નિર્ણયથી રાજ્યના ૭ લાખ જેટલા રહેણાંક ગ્રાહકોને ૩૦૦૦ મેગા વોટની સોલાર કેપેસીટી માટે અંદાજીત રૂ।.૪૯૮૯ કરોડ સબસિડીનો લાભ ત્રણ વર્ષમાં મળશે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી રાજય/કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૨૦૦૦ કરોડની સહાયથી ત્રણ લાખથી વધુ વીજ ગ્રાહકોને ત્યાં સોલાર સિસ્ટમનું સ્થાપન કરવામાં આવ્યુ છે જેની ક્ષમતા ૧૧૮૩ મેગાવોટ જેટલી છે. હાલ, સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે.

તેમણે ઉમેર્યુ કે, રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકાર દ્વારા પાંચમી ઑગષ્ટ ૨૦૧૯ થી સોલાર રૂફટોપ સબસિડી યોજના “સૂર્ય ગુજરાત” જાહેર કરાઇ છે. આ યોજના અંતર્ગત રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે પ્રથમ ૩ કિલોવોટ સુધી નિયત કરેલ કિંમતના ૪૦% સબસિડી તથા ૩ કિલોવોટથી વધુ અને ૧૦ કિલોવોટ સુધી ૨૦% સબસિડી મળવાપાત્ર છે. આ ઉપરાંત ગ્રુપ હાઉસીંગ સોસાયટી (GHS)/ રેસિડેન્સિયલ વેલ્ફેર એસોસિએશન (RWA)ની કોમન સુવિધાઓના વીજજોડાણો ઉપર ઘર દીઠ ૧૦ કિલોવોટની મર્યાદામાં ૫૦૦ કિલોવોટ સુધી ૨૦% સબસિડી આપવામાં આવે છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, આ યોજના માટે રાજ્યના રહેણાંક ગ્રાહકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. રુફટોપ સોલર સિસ્ટમની સ્થાપના માટે રહેણાંક ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. જે પુનઃપ્રાપ્ય ઊર્જાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં વધુ યોગદાન આપશે. એટલુ જ નહિ, સોલાર રૂફટોપના ઇન્સ્ટોલેશનથી વીજ બીલમાં ઘટાડો થશે અને ઉત્પાદિત વધારાની વીજળી ગ્રીડમાં વેચી વધારાની આવક ઊભી કરી એક વપરાશકર્તા-ઉત્પાદક તરીકે પણ ભૂમિકા નિભાવશે.

દેશ ગુજરાત