પોરબંદર-છાયા નગરપાલિકાને 13 આધુનિક નવી સિટી બસની ભેટ આપતી રાજ્ય સરકાર

પોરબંદરઃ  ગાંધીજીની જન્મ જયંતીના અવસરે શ્રદ્ધાસુમન અર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોરબંદરના શહેરીજનોને યાતાયાતની સુવિધા માટે સીટી બસ સેવાની ભેટ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ શહેરના શીતલા ચોક ખાતેથી ૧૩ નવી સીએનજી બસને લીલીઝંડી આપી આ પરિવહન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના હેઠળ પોરબંદર-છાયા નગરપાલિકા વિસ્તારના લોકોને આંતરિક પરિવહન માટે ૧૩ નવી બસની  સેવા મળી રહેશે. આ બસો સીએનજી હોવાથી પર્યાવરણ સામેના પ્રદૂષણથી પણ બચી શકાશે.

આ નવી ૧૩ સીએનજી બસ શહેરના મુખ્યમાર્ગોના જુદા જુદા રૂટ તેમજ હેરિટેજ સ્થળો ઉપર પહોંચવા માટે  પરિવહનની સેવા પૂરી પાડશે. પોરબંદર ગાંધી – સુદામા નગરી તરીકે જાણીતું હોવાથી તેમજ  તેના પૌરાણિક મહત્વના લીધે પ્રવાસીઓ પણ ધસારો રહેતો હોય છે ત્યારે આ સુવિધા સામાન્ય લોકોની સાથે પ્રવાસીઓને પણ એક પરિવહનની સુવિધા મળી રહેશે.

આ ૧૩ નવી બસમાં સીસીટીવી કેમેરા, એલઈડી સ્ક્રીન ડિસ્પ્લે તથા એનાઉન્સમેન્ટ સિસ્ટમ સાથે જીપીએસ લોકેશન સહિતની અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. ત્યારે પોરબંદર છાયા વિસ્તારના આંતરિક યાતાયાતનો એક નવો અનુભવ થશે.

દેશ ગુજરાત