ભારતમાં સર્વગ્રાહી વસ્તી નિયંત્રણ નીતિ હોવી જોઈએઃ મોહનરાવ ભાગવત

નાગપુરઃ  ભારતમાં એક સર્વગ્રાહી વસ્તી નિયંત્રણ નીતિ હોવી જોઇએ જેમાં દરેક સમુદાયનો સમાનતાપૂર્વક સમાવેશ થતો હોય તેમ આરએસએસના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે આજે જણાવ્યું હતું.

નાગપુરમાં વિજયાદશમી નિમિત્તે સંબોધન કરતા ભાગવતે કહ્યું હતું કે, વિવિધ સમુદાયોમાં વસ્તીનું સંતુલન જળવાતું નથી અને આ એક અગત્યનો મુદ્દો છે. વસ્તીમાં અનિયંત્રણ થવાથી ભૌગોલિક સરહદોમાં પરિવર્તન આવે છે તેમ તેમણે કહ્યું હતું.

સંઘની આજની દશેરા રેલીમાં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર મહિલા સંતોષ યાદવને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. સંતોષ યાદવ વિશ્વના એકમાત્ર મહિલા છે જેમણે બે વખત એવરેસ્ટ સર કર્યો છે.

સરસંઘચાલકે કહ્યું કે આ અસંતુલન જાળવવા માટે તમામ સમુદાયને અસર કરે તેવી વસ્તી નીતિ હોવી જોઇએ. તેમણે ઉમેર્યું કે, નીતિ ઘડતી વખતે ચીનનું ઉદાહરણ ધ્યાનમાં રાખવું જોઇએ. ચીને એક જ બાળકની નીતિ અપનાવી અને તેનું પરિણામ આજે એ આવ્યું છે કે, ત્યાંની મોટાભાગની વસ્તી વૃદ્ધ થઈ રહી છે.

ભારતમાં હાલ 57 કરોડ યુવાનો છે તેને કારણે આગામી 30 વર્ષ સુધી ભારત યુવાન દેશ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

સરસંઘચાલકે મોહનરાવ ભાગવતે દેશના નાગરિકોને કહ્યું કે તેમણે પોતપોતાના બિઝનેસ વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ અને માત્ર સરકારી નોકરીઓ ઉપર આધાર રાખવો ન જોઇએ. આ સંદર્ભમાં તેમણે આંકડો આપ્યો કે, તમામ સરકારી નોકરીની વાત કરીએ તો દેશની 30 ટકા કરતાં વધારે વસ્તીનો તેમાં સમાવેશ નહીં થઈ શકે. બાકીના લોકોએ તેમના પોતાના વેપાર-ધંધા અથવા અન્ય રોજગારી ઊભી કરવા પ્રયાસ કરવો પડશે.

દેશ ગુજરાત