પંજાબના કપુરથલામાં વધુ એક ડ્રગ એડિક્ટ યુવતી રસ્તા પર રઝળતી મળી

કપુરથલાઃ  પંજાબમાં લગભગ રોજેરોજ નશીલા પદાર્શોના બંધાણી યુવક-યુવતીઓના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો ગઇકાલે બુધવારે જોવા મળ્યો.

રાજ્યના કપુરથલામાં એક યુવતી નશીલા પદાર્થ લીધેલી સ્થિતિમાં આમ તેમ ફરી રહી હતી. કેટલીક મહિલાઓએ તેને પકડીને બેન્ચ પર બેસાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે એટલી બધી નશાની હાલતમાં હતી કે બેસી શકે તેમ નહોતી અને જાતે જ બેન્ચ પર સૂઈ ગઈ.

આસપાસ એકત્ર થયેલા લોકોએ તેને એવું કહેતા સાંભળી કે ત્રણ વર્ષ પહેલાં તેની કેટલીક બહેનપણીઓ તથા મિત્રોએ તેને નશીલા પદાર્થની લત લગાડી દીધી હતી અને હવે તેને રોજેરોજ નશીલા પદાર્થો વિના ચાલતું નથી.

આ યુવતી પરિણીત છે અને તેનો પતિ નશીલા પદાર્થોની હેરાફેરીના કેસમાં જેલમાં છે.

એક સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, આ યુવતીએ જણાવ્યું કે તે પસ્તા પર પસાર થતા લોકો પાસેથી પૈસા માગે છે અને પછી મહોલ્લા મેહતાબગઢના ચોકમાં નશાના વેપારીઓ પાસેથી ડ્રગ ખરીદે છે. લોકોએ તે ક્યાં રહે છે એ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેના માતા-પિતા જીવિત નથી અને તેનો પતિ પણ ડ્રગની દાણચોરીના કેસમાં જેલમાં છે.

આ અહેવાલ મુજબ તેની મદદે પહોંચેલી મહિલાઓએ યુવતીને હોસ્પિટલ પહોંચાડી હતી. હોસ્પિટલના સત્તાવાળાઓએ યુવતીની હાલત જોઇને તેને સિવિલ હોસ્પિટલસ્થિત નશા મુક્તિ કેન્દ્રમાં મોકલી આપી હતી.

દેશ ગુજરાત