પંજાબમાં બે શિક્ષિકાએ નોકરીની માગણી સાથે પાણીની ટાંકી પર ચઢી દેખાવો કર્યા

ચંડીગઢઃ  પંજાબમાં સરકારી સ્કૂલમાં નોકરીની માગણી સાથે બે શિક્ષિકાએ પાણીની ટાંકી ઉપર ચઢી જઈને આમ આદમી પાર્ટીની સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા.

સિપ્પી શર્મા અને વીરપાલ કૌર નામની આ બંને શિક્ષિકા મોહાલીમાં એક ગુરુદ્વારા નજીક આવેલી પાણીની ટાંકી મધ્યરાત્રિએ ચડી ગઈ હતી અને પોતાની માગણી વિશે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

બંને શિક્ષિકાએ જણાવ્યું કે, અગાઉની કોંગ્રેસ સરકાર દ્વારા તેમને સરકારી સ્કૂલમાં શારીરિક શિક્ષક તરીકેની નોકરીનું વચન આપવામાં આવ્યું હતું. જોકે સરકાર બદલાતાં એ વચન પૂરું ન થયું. પરંતુ ભગવંત માનની આમ આદમી પાર્ટીની સરકાર રચાયા બાદ અમને ફરી ખાતરી આપવામાં આવી હતી કે તમને સરકારી સ્કૂલમાં શારીરિક શિક્ષક તરીકે નોકરી આપવામાં આવશે.

આ વચન અપાયાના સાત મહિના થઈ જવા છતાં આમ આદમી પાર્ટીની સરકારે વચનનું પાલન નહીં કરીને અમારી સાથે છેતરપિંડી કરી છે તેમ બંને શિક્ષિકાએ જણાવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને છેક ઑગસ્ટ મહિનામાં એવી જાહેરાત કરી હતી કે તેમની સરકારે પાંચ મહિનામાં 17,313 યુવાનોને નોકરીના પત્ર આપી દીધા છે.

આ વર્ષે માર્ચ મહિનામાં સરકાર રચાયા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યપ્રધાન ભગવંત માને રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં 25,000 નોકરીની બહાલી આપી હતી.

જોકે, થોડા સમય પહેલાં પ્રાધ્યાપકો અને હવે આ શિક્ષિકાઓ દ્વારા જે રીતે દેખાવો થઈ રહ્યા છે તેના પરથી પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારના વચનપાલન અંગે આશંકા સેવાઈ રહી છે.

દેશ ગુજરાત

🗃️ This story is from our archives and may contain outdated information.