રાણા અયુબે દાનમાં મેળવેલા નાણાની એફડી કરી, અંગત ઉપયોગમાં લીધાઃ ઈડીની ચાર્જશીટ

નવી દિલ્હીઃ  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પત્રકાર-કર્મશીલ રાણા અયુબ વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું છે જે અનુસાર તેણે ગરીબોના નામે મેળવેલી દાનની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી.

રાણા અયુબે ઝૂંપડપટ્ટીવાસીઓ, ખેડૂતો ઉપરાંત આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં રાહત કામોના નામે દાનમાં રૂપિયા 2.7 કરોડ મેળવ્યા હતા. આ રકમમાંથી સેવા કરવાને બદલે તેણે રૂપિયા 50 લાખની ફિક્સ ડિપોઝિટ કરાવી દીધી તેમ ઈડીના આરોપનામામાં જણાવવામાં આવ્યું છે. આ આરોપનામું ગાઝિયાબાદની વિશેષ અદાલતમાં દાખલ કરવામાં આવ્યું છે.

ઈડીની તપાસમાં બહાર આવ્યું હતું કે, રાણા અયુબે કેટ્ટો ઉપર દાન મેળવવા માટે એપ્રિલ 2020થી ત્રણ અભિયાન ચલાવ્યા હતા. આ દ્વારા તેણે 2.69 કરોડ એકત્ર કર્યા હતા. કેટ્ટો ઉપર તેણે ગરીબોને, ખેડૂતોને મદદ કરવા તેમજ અન્ય રાહતકામોનાં કારણો દર્શાવ્યાં હતાં.

તપાસ એજન્સીએ જણાવ્યું કે, ઑનલાઇન માધ્યમ દ્વારા જે નાણા આવ્યા તે તેના પિતા તેમજ બહેનના ખાતાંઓમાં જમા થયા હતા અને ત્યાથી રાણા અયુબે બધી રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી હતી. એ રકમમાંથી અયુબે 50 લાખની ફિક્સ ડિપોઝિટ કરાવી અને બીજા 60 લાખ એક નવા બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા. તપાસમાં બહાર આવ્યું કે, તેણે સેવાના નામે એકઠી કરેલી 2.70 કરોડની રકમમાંથી માત્ર રૂપિયા 29 લાખ સેવા કામો માટે વાપર્યા હતા.

ફેબ્રુઆરીમાં આ કેસની તપાસ શરૂ થઈ ત્યારે રાણા અયુબે એફડી કરી દીધેલી રૂપિયા 1.7 કરોડની રકમ ઈડીએ જપ્ત કરી હતી. ત્યારબાદ તપાસ વધુ આગળ વધતાં બીજા 1.10 કરોડ સગેવગે કર્યાના પુરાવા મળ્યા હતા.

દેશ ગુજરાત

#ED