ગુજરાતમાં સીએનજી અને પીએનજીમાં ૧૦ ટકા વેટ ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય

— રાજ્ય સરકારના આ નિર્ણયથી સીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે રૂ. ૬ થી ૭ તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટર અંદાજે રૂ. ૫ થી ૫.૫૦નો ઘટાડો થશે

— પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ સમાવિષ્ટ રાજ્યના ૩૮ લાખ જેટલા લાભાર્થીઓને વર્ષ દરમિયાન એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિનામૂલ્યે અપાશે

— પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળના કુલ ૩૮ લાખ કુટુંબોને આ નિર્ણય થકી અંદાજે રૂ.૬૫૦ કરોડની ખૂબ મોટી રાહત મળશે

— ૧૪ લાખ જેટલા સીએનજી વાહનચાલકોને તેમજ ર૪.ર૧ લાખ ઘરેલું ગેસ જોડાણ ધારકોને અંદાજે રૂ. ૧,૦૦૦ કરોડની રાહત થશે

— રાજ્ય સરકારે કરેલી બન્ને જાહેરાતોથી સમગ્રતયા નાગરિકોના રૂા. ૧૬૫૦ કરોડની રાહત થશે

ગાંધીનગરઃ   રાજ્યના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારોને સીધી અસર થાય અને તેમના બજેટમાં ખુબ મોટી રાહત થાય તેવા અતિ મહત્વના બે નિર્ણયો આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લીધા છે. જેમાં સીએનજી અને પીએનજી ગેસમાં ૧૦ ટકા મૂલ્ય વર્ધિત વેરા (વેટ) ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે રૂ. ૬ થી ૭ તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટરે અંદાજે રૂ. ૫ થી ૫.૫૦નો ઘટાડો થશે. તે ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ સમાવિષ્ટ રાજ્યના ૩૮ લાખ જેટલા લાભાર્થીઓને વર્ષ દરમિયાન એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિનામૂલ્યે આપવા અંગે પણ મહત્વના નિર્ણય રાજ્યની નિર્ણાયક સરકારે લીધો છે.

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, ગરીબ તથા મધ્યમ વર્ગીય નાગરિકોને રાહત દરે ધુમાડા રહિત રાંધણ ગેસ મળી રહે તેમજ સ્વચ્છ ઈંધણનો વપરાશ વધે તે હેતુસર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અમલમાં છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સમાવિષ્ટ રાજ્યના ૩૮ લાખ જેટલા લાભાર્થીઓને વર્ષ દરમિયાન કુલ બે ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહિ, રાજ્ય સરકારની એલપીજીપી/પીએનજી સહાય યોજનાના અંદાજે ૨૦ હજાર જેટલા લાભાર્થીઓ દ્વારા ગેસના સિલિન્ડરની રકમની ચુકવણી કર્યા બાદ રિફિલની પૂરેપૂરી રૂ.૧૦૫૦ની રકમ ગ્રાહકમાં બેંક ખાતામાં માત્ર ત્રણ દિવસમાં જમા કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળના કુલ ૩૮ લાખ કુટુંબોને આ નિર્ણય થકી રૂ.૬૫૦ કરોડની ખૂબ મોટી રાહત થશે.

મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને માળખાકીય બાબતોમાં આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન તેમને સેવ્યું હતું. રાજ્ય સરકાર છેલ્લા બે દસકામાં નેચરલ ગેસનું માળખું ઊભું કરવા માટે તેમજ આ અંગેની વિશેષ નીતિ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય છે અને આંતરરાષ્ટ્રીય ગ્રીડ બનાવનાર પણ દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (જીએસપીએલ) દ્વારા દેશની પ્રગતિ વેગવંતી બની છે. રાજ્યના તમામ વિસ્તારોમાં નેચરલ ગેસ સરળતાથી ઉપલબ્ધ થઇ રહ્યો છે. જીએસપીએલ નેટવર્ક ગુજરાતના તમામ એલએનજી ટર્મિનલ્સ સાથે કનેક્ટીવીટી ધરાવી દેશનું એલએનજી ગેટવે બન્યું છે, જેના થકી ક્લીન એનર્જી આધારિત વિકાસ વેગવાન બન્યો છે. ગુજરાતમાં એલએનજી ટર્મિનલ સ્થપાય તે માટેના રાજ્ય સરકારના દૂરંદેશી પ્રયત્નોના કારણે આજે નેચરલ ગેસના આયાત, ઉત્પાદન અને વપરાશમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આજે ગુજરાતમાં ઘરેલુ ગેસ જોડાણની સંખ્યા ૨૪.૨૧ લાખ તથા સીએનજી સ્ટેશનની સંખ્યા ૮૫૫ છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં બદલાવને પરિણામે નેચરલ ગેસની કિંમતમાં વધારો થયો હોવાથી નાગરિકો અને ગૃહિણીઓને પોતાનું ઘર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં રાહત આપવા તથા ગૃહિણીઓના બજેટ ઉપર ભારણ ઘટાડવા તેમજ ગૃહિણીઓને સ્વચ્છ ઘરેલું ઇંધણ મળી રહે તે માટે રાજ્ય સરકારે બિન વ્યાપારી ઘરેલું વપરાશ માટે પાઇપલાઇનથી પૂરો પાડવામાં આવતા નેચરલ ગેસ પીએનજી ઉપરનાં મૂલ્ય વર્ધિત વેરા(વેટ)ના દરમાં ૧૦ ટકાનો ઘટાડો કર્યો છે. તે ઉપરાંત જે નાગરિકો પોતાના વાહનોમાં સીએનજી ગેસનો વપરાશ કરે છે તેમને રાહત આપવા ઓટોમોબાઇલ માટે વપરાતો નેચરલ ગેસ સીએનજી ઉપરના મૂલ્યવર્ધિત વેરા(વેટ)ના દરમાં પણ ૧૦ ટકાનો ઘટાડો કરવા નિર્ણય લેવાયો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં અંદાજે ૧૪ લાખથી વધુ સીએનજી વાહનધારકો છે, જેમાં માલવાહક વાહન, મુસાફર વાહન અને કારચાલકોના વાહનનો સમાવેશ થાય છે. અંદાજે ૪.૫૦ લાખ જેટલા માત્ર સીએનજી રીક્ષાચાલકોનો સમાવેશ થાય છે. ભાડે કે લોન લઇને પણ ગરીબ રીક્ષાચાલકો રાત-દિવસ એક કરીને રીક્ષા ફેરવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે આ તમામ ગરીબ-મધ્યમ વર્ગના નાગરીકોને પીએનજી અને સીએનજીના વેટના દર ઘટાડવાથી અંદાજે રૂ. ૧૦૦૦ કરોડની રાહત થશે. આ નિર્ણયથી સીએનજી ગેસ પ્રતિ કિલો અંદાજે રૂ. ૬ થી ૭ તેમજ પીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે રૂ. ૫ થી ૫.૫૦નો ઘટાડો થશે. જે રાજ્યના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારો માટે દિવાળી પુર્વની સરકારની ઐતિહાસિક ભેટ ગણી શકાય.

દેશ ગુજરાત