જપન પાઠક દ્વારા ગુજરાત ચૂંટણી 2022 શ્રેણી ભાગ – 1 : સતત વફાદાર મતવિસ્તારો ભાજપને જીતની નજીક રાખે છે

જપન પાઠક, અમદાવાદ, ગુજરાતમાં ચૂંટણીમાં આ વખતે કોનું જોર છે અને કોના તરફી વાતાવરણ છે તે પ્રશ્નનો તો જવાબ આસાનીથી મળી જાય છે. મોટાભાગના લોકો માને છે કે ભાજપ આ વખતે ફરી એક વખત જીતવા જઇ રહ્યો છે. પરંતુ આવી વ્યાપક માન્યતાના પાયા કયા છે અને તેની ફૂટપ્રિન્ટ શું છે તે પ્રશ્નનો જવાબ ભાજપે ગુજરાતમાં પાછલા વર્ષોમાં જે જોર દેખાડ્યું છે તેમાં છે. અહીં આ શ્રેણીમાં આ આખી ફુૂટપ્રિન્ટને સમજીશું. આજે તો આ નકશો જુઓ.

ગુજરાતમાં વિધાનસભા વિસ્તારોનું નવું સીમાંકન વર્ષ 2009માં આવ્યું. અહીં આપેલા નકશામાં નવા સીમાંકન પછી ગુજરાતમાં થયેલી પાંચ ચૂુંટણીઓની વિધાનસભા વિસ્તારવાર વાત છે. આમાં વર્ષ 2009, 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓ અને વર્ષ 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીઓ સમાવિષ્ટ છે.

તો પાછલી પાંચ ચૂંટણીઓમાં 66 વિધાનસભા બેઠકો એવી રહી છે કે જ્યાં દરેક વખતે ભાજપના ઉમેદવારને મતોની સરસાઇ મળી છે. ઉદાહરણ તરીકે જોઇએ તો અમદાવાદની એલિસબ્રીજ વિધાનસભા બેઠક. આ બેઠકે પાછલી પાંચેય ચૂંટણીઓમાં ભાજપના જ ઉમેદવારને સરસાઇ આપી છે. આવા કુલ 66 વિધાનસભા મત વિસ્તારો છે કે જે હંમેશા ભાજપને મત આપતા જણાયા છે. તો પાછલી ચારેય ચૂંટણીમાં ભાજપને જ આગળ રાખતા હોય તેવા મતવિસ્તારો 80 હતા, પાછલી ત્રણેય ચૂંટણીમાં ભાજપને આગળ રાખતા વિધાનસભા મત વિસ્તારો 98 હતા.

હવે સામે કોંગ્રેસનું ચિત્ર જોઇએ તો પાછલી પાંચેય ચૂંટણીમાં માત્ર કોંગ્રેસના જ ઉમેદવારને હંમેશા સરસાઇ આપી હોય તેવા વિધાનસભા મતવિસ્તાર ગુજરાતમાં માત્ર 4 રહ્યા છે. આ મતવિસ્તારો છે દાણીલીમડા, દાહોદ, માંડવી અને વ્યારા. તો પાછલી ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસને જ સરસાઇ આપી હોય તેવા મતવિસ્તાો માત્ર બે જ છે જેમાં જમાલપુર ખાડિયા અને નિઝર વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ વિધાનસભા વિસ્તારો 182 છે અને શાસન માટે 92 બેઠકો જોઇએ. તમે જોશો કે ભાજપ માટે આ આંક સુધી પહોંચવાનું કોંગ્રેસ કરતા કેટલું વધુ સુગમ છે. નિશ્ચિત બેઠકોનો આંક ઘણો મોટો હોવાથી ભાજપ માટે 91નો હાફ માર્ક ઓળંગવાનું પ્રતિસ્પર્ધિઓ કરતા વધુ સરળ છે.

જો કોંગ્રેસને લગાતાર સરસાઇ આપતી વિધાનસભાની બેઠકોની પેટર્ન સમજીએ તો દાણીલીમડાની બેઠક અનૂસૂચિત જાતિ માટે અનામત છે પરંતુ તેમાં મુસ્લિમોની ખૂબ મોટી વસ્તી છે. આ જ રીતે જમાલપુર ખાડિયાની બેઠક પર પણ મુસ્લિમોની ખૂબ મોટી વસ્તી છે. જો ઓવૈસી કે આપના ઉમેદવારો અહીં ભાજપ વિરોધી મતો મેળવવામાં સફળ થાય તો કોંગ્રેસ માટે આ બેઠકો પર પણ કપરા ચડાણ થઇ શકે છે. તો દાહોદ, માંડવી, વ્યારા અને નિઝર આદિવાસી વસ્તીવાળી બેઠકો છે અને ત્યાં હિંદુમાંથી ખ્રિસ્તી થયેલા આદિવાસીઓની પણ મોટી વસ્તી છે.

અહીં નકશામાં તમે નવ લાલ ટપકા પણ જોઇ શકશો. આ નિશાન એવા નવ વિધાનસભા મત વિસ્તારો દર્શાવે છે કે જેમાં વર્ષ 2019ની એટલેકે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસે વધુ મત મેળવ્યા હતા. ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારો પૈેકીના આ માત્ર નવ વિસ્તારો હતા કે જ્યાં ભાજપને કોંગ્રેસ કરતા ઓછા મત મળ્યા હતા.

આ મત વિસ્તારોમાં આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર એક બેઠક કોડીનારની હતી જ્યાં ભાજપના ઉમેદવારને પંદરસોની આસપાસ ઓછા મત મળ્યા હતા. આખા ઉત્તર ગુજરાતમાં એકમાત્ર વડગામની બેઠક હતી કે જ્યાં ભાજપ પાછળ રહ્યું હતું. તો આ સિવાય અમદાવાદની જમાલપુર ખાડિયા અને દાણીલીમડા મત વિસ્તાર અને આદિવાસી ક્ષેત્રના ઝાલોદ, દાહોદ, માંડવી, વ્યારા તથા નિઝરમાં ભાજપને કોંગ્રેસ કરતા ઓછા મત મળ્યા હતા. આ પૈકી જમાલપુર ખાડિયા, દાણીલીમડા અને વડગામમાં મુસ્લિમ મતોની ખૂબ મોટી સંખ્યા છે જ્યારે કોડીનાર સિવાય બાકીના વિધાનભા વિસ્તારોમાં આદિવાસીઓની ખૂબ મોટી સંખ્યા છે અને તેમાં ચર્ચની વટાળ પ્રવૃત્તિથી અસરગ્રસ્ત વિસ્તારો પણ છે.

ઇન ફેક્ટ તમે જોયું હશે કે સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા મહિનાઓમાં વડગામની એકથી વધુ વખત મુલાકાત લીધી છે. વડાપ્રધાને દાહોદમાં રેલી કરી હતી અને દક્ષિણની આદિવાસી બેઠકો પર તો લગભગ ત્રણેક કાર્યક્રમો કર્યા છે. કોંગ્રેસના ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાનું વલણ પાછલા કેટલાક સમયથી કોંગ્રેસથી વિમુખ રહ્યું છે અને તેમને કોંગ્રેસે ફરી ટિકીટ પણ નથી આપી. તેઓ ભાજપ સાથે સંતલસમાં હોવાનું મનાય છે. રાહુલ ગાંધીએ પણ એક રેલી દાહોદમાં કરી હતી પરંતુ દક્ષિણની આદિવાસી બેઠકોને આવરી લેતી રેલીનો કાર્યક્રમ રાહુલ સ્કીપ કરી ગયા હતા. મુસ્લિમ મત વિસ્તારોમાં આમ આદમી પાર્ટી અને ઓવેસી જો કોંગ્રેસના મત તોડે તો જ ભાજપ માટે ત્યાં જીતની સ્થિતિ ઉભી થાય તેમ છે. લોકસભા અને વિધાનસભામાં લોકો જુદી રીતે મતદાન કરતા હોય છે. ટકાવારી, ઉમેદવારો, એજન્ડા બધું જ અલગ હોય છે પરંતુ એક અંદાજ આવે છે કે ભાજપનું સીઝનલ તો સીઝનલ પરંતુ સમર્થન ક્યાં રહ્યું છે અને ક્યાં નથી જ ઉભું થતું.

આમ પાછલી પાંચ ચૂંટણીઓ (લોકસભા અને વિધાનસભા), એટલેકે એવી ચૂંટણીઓ કે જેમાં આપણને વિધાનસભા બેઠકવાર આંકડા મળી જાય છે તેનું ચિત્ર જોતા ભાજપની એવી મજબૂત સ્થિતી જોવા મળે છે કે તે જીતથી નજીક જણાય છે. હવે એવું નથી કે આ અચળ સ્થિતી છે. તમે જોશો કે થરાદ બેઠક ભાજપે પાછલી પાંચેય ચૂંટણીઓમાં જીતી હતી, પરંતુ 2019માં લોકસભાની ચૂંટણી બાદ થરાદ બેઠક પર પેટાચૂંટણી થઇ તો તેમાં ભાજપની હાર થઇ હતી. આમ ક્યાંક એવું પણ બની શકે છે કે વફાદાર બેઠક સરકી પણ જાય. પરંતુ તેમ છતા સમગ્રતયા અને લાંબાગાળાનું અવલોકન કરો તો ભાજપને સતત વફાદાર મતવિસ્તારોની સંખ્યા ખૂબ મોટી છે, અને બાકીની બેઠકો ભાજપે ડોગફાઇટ કરીને જીતી લેવાની રહે છે જ્યારે કોંગ્રેસને સતત વફાદાર મતવિસ્તારો ઓછા છે અને તેણે ઘણી વધારે બેઠકો માટે ડોગફાઇટ કરવાની રહે છે. વધુ કેટલાક ડેટા હવે પછી જોઇશું.

Japan K Pathak , Gujarat Election Series 2022 , Part – 1