જપન પાઠક દ્વારા ગુજરાત ચૂંટણી 2022 શ્રેણી ભાગ – 2 : વીસ પેટાચૂંટણીઓએ ભાજપમાં પુનઃ આત્મવિશ્વાસ ભર્યો

જપન ક પાઠક, ગાંધીનગરઃ

ગુજરાતમાં શાસક ભારતીય જનતા પક્ષ (ભાજપ) વર્ષ 2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી સૌથી ઓછી, માત્ર 99 બેઠકો સાથે જીત્યો હતો. જો કે ત્યાર પછી થયેલી વિવિધ ચૂંટણીઓના પરિણામ દર્શાવે છે કે ભાજપે 2017 પછી ગુજરાતમાં પોતાની સ્થિતિ ખાસ્સી સુધારી લીધી છે. ભાજપ પાસે હવે વિધાનસભામાં 111 બેઠકો છે. ભાજપને વધારાની બેઠકો 20 પેટા ચૂંટણીઓ થકી મળી છે.

2018

વર્ષ 2018માં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ બેઠક પરથી રાજીનામું આપ્યું. બાવળીયા અગ્રણી કોળી નેતા છે અને તેઓ કોળી સમાજના રાષ્ટ્રિય સંગઠનના વડા પદે હતા. કોળી સમાજના મતદારો ગુજરાતની દર્જનો બેઠકો પર પોતાની પ્રબળ અસર ધરાવે છે. ભાજપે બાવળીયાને પક્ષમાં શામિલ કર્યા અને તેમને જસદણની પેટા ચૂંટણીમાં વિજેતા બનાવ્યા. આ પેટા ચૂંટણી વિજય ભાજપ માટે મહત્વનો હતો કારણકે તેના થકી વિવિધ માન્યતાઓનું ખંડન થયું. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોની છાયામાં એક માન્યતા એવી ઘર કરી ગઇ હતી કે ભાજપ ગ્રામીણ વિસ્તારમાં નબળો છે. બીજી માન્યતા કે કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર ઘણું ખરું હારી જાય છે. ત્રીજી માન્યતા કે ભાજપ સૌરાષ્ટ્રમાં નબળો છે. ચોથી માન્યતા કે ભાજપના કોળી ઉમેદવારને પટેલો મત નહીં આપે. પાંચમી માન્યતા કે ભાજપમાં અંદર અંદરની લડાઇને કારણે બાવળીયા હારી જશે. પરંતુ આ માન્યતાઓથી વિપરીત બાવળીયા ન કેવળ જીત્યા પરંતુ 2017ની ચૂંટણી કરતા ખૂબ વધારે સરસાઇથી જીત્યા. જસદણનો વિજય આ રીતે સીમાચિહ્નરુપ બની રહ્યો. 2017ની વિધાનસભાની ચૂુંટણીમાં પક્ષના પ્રદર્શનથી બહુ ખુશ નહીં એવા ભાજપના કાર્યકરોમાં જસદણે નવા જોમ અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો.

2019

આ પછી વર્ષ 2019માં, લોકસભાની ચૂંટણી અગાઉ, કોંગ્રેસના વધુ ધારાસભ્યો, આશાબેન પટેલ, રાઘવજી પટેલ, જવાહર ચાવડા અને પરષોત્તમ સાબરીયાએ રાજીનામા આપ્યા અને ભાજપમાં જોડાયા. આમની ચાર બેઠકોની પેટા ચૂંટણીઓ લોકસભાની ચૂંટણી સાથે જ યોજાઇ. ચારેય મહાનુભાવો ભાજપના ઉમેદવાર તરીકે વિજયી થયા. વિશેષ કરીને આશાબેન પટેલ અને રાઘવજીનું ભાજપમાં જોડાવું અને જીતવું એ મહત્વનું હતું. કારણકે પટેલ ધારાસભ્યો , એમાંય ઉંઝાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા અને જીત્યા એ ઘટનાક્રમે 2017ના પરિણામોથી જે છાપ બની હતી તેને ફરીથી તોડી. પટેલ મતદારો કે જે 1985 પછીથી ભાજપ સાથે રહ્યા છે તેઓ 2015ના અનામત આંદોલનથી થોડી સંખ્યામાં ભાજપથી દૂર થયા હતા પરંતુ કાયમી રીતે દૂર થયા નથી અને પાછા ભાજપ તરફ ફર્યા છે તે આ ક્રમથી ઇંગિત થયું. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપે 182માંથી 173 વિધાનસભા બેઠકો પર સરસાઇ મેળવી અને તમામ 26 લોક સભા બેઠકો પર જીત મેળવી. જે માત્ર નવ બેઠકો પર ભાજપ પર કોંગ્રેસે સરસાઇ મેળવી તેમાં કોડીનારને બાદ કરતા તમામ મુસ્લિમ અને આદિવાસી (ખ્રિસ્તી ધર્માંતરણવાળા વિસ્તાર સહિતની) વસ્તીવાળા વિસ્તારો હતા.

Image

2019 (2)

2019માં લોકસભામાં ચૂંટાયા પછી ભાજપના જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તેમની અમરાઇવાડી, ખેરાળુ, લુણાવાડા અને થરાદની વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીઓ આવી. આ સિવાય કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા, બેઉ ઠાકોર સમાજના નેતા, તેમણે પણ રાજીનામા આપ્યા અને ભાજપમાં જોડાયા. આમ કુલ છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી આવી. લોકસભાના ભવ્ય વિજય અને વિધાનસભાની પેટાચૂંટણીના વિજય પછી અતિ આત્મવિશ્વાસમાં આવેલા ભાજપે આમાં ત્રણ બેઠકો પર હાર અને ત્રણ પર જીત મેળવી. એટલેકે ફીફ્ટી ફીફ્ટી રિઝલ્ટ આવ્યું. થરાદ બેઠક અસ્તિત્વમાં આવી ત્યાર પછી ભાજપની ત્યાં આ પ્રથમ હાર હતી. 2017માં થરાદ ભાજપે જીતી હતી, 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ અહીં ભાજપ પ્લસ હતું પરંતુ પછી વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્યાં હાર. રાધનપુર અને બાયડ તો ભાજપ 2017માં પણ હાર્યું હતું પરંતુ આ વખતે હારની સરસાઇ ગજબની ઓછી થઇ હતી એટલા પૂરતી રાહત. અમરાઇવાડી બેઠક અમદાવાદમાં છે. શહેરી બેઠક છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી આ મતવિસ્તારમાં એક બુથના એક સમયે ઇન્ચાર્જ હતા. તેમની મણિનગરની બેઠક પણ અમરાઇવાડીને અડીને આવેલી હતી. અમરાઇવાડીમાં ભાજપના ઉમેદવાર પાંચ હજારની આસપાસની સરસાઇથી છેલ્લા રાઉન્ડમાં આગળ નીકળીને વિજેતા થયા.

પેટા ચૂંટણીઓમાં પચાસ ટકા વિજયની આ ઘટનાને ભાજપની ટોચની નેતાગીરીએ ખૂબ ગંભીરતાથી લીધી. ગુજરાત ભાજપના સંગઠન અને સરકારે એકબીજા પર ઠીકરું ફોડ્યું અને બેઉ વચ્ચે મનમોટાવ પણ થયો જે લાંબો ચાલ્યો. ઓક્ટોબર 2019નું આ ફીફ્ટી ફીફ્ટી પરિણામ ટર્નીંગ પોઇન્ટ જેવું હતું. પાર્ટી સંગઠન અને સરકારનું રિબુટીંગ કદાચ આ મોડ પર દિલ્હીમાં નક્કી થઇ ગયું હતું.

Image

2020-2021

તો જુલાઇ 2020માં નવસારી લોકસભાના સભ્ય અને વડાપ્રધાન મોદીના ખાસ સહ્યોગી સીઆર પાટીલને ગુજરાત ભાજપના વડા બનાવ્યામાં આવ્યા. પાટીલ વડાપ્રધાન મોદી માટે કેન-ડૂ મેન છે. વડાપ્રધાને તેમને દિલ્હીમાં, વારાણસીમાં, જે પણ કામ સોંપ્યા છે તે બધા પાટીલે સાંગોપાંગ પાર ઉતાર્યા છે. પાટીલ નવસારી બેઠક પરથી સૌથી વધારે સરસાઇથી જીતતા પણ આવ્યા છે.

પાટીલ માટે પ્રથમ પડકાર આવ્યો આઠ બેઠકોની પેટાચૂંટણીનો. આ તમામ બેઠકો એવી હતી કે જેમાં પાછલી જીત ભાજપની ન હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી અગાઉ રાજીનામા આપ્યા હતા એટલે આ તમામ આઠ બેઠકો ખાલી પડી હતી. તેમાંના પાંચ ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં ઉમેદવાર બન્યા હતા.

પોલીટીકલ પંડિતો માનતા હતા કે ભાજપ આઠમાંથી પાંચ કે વધીને છ બેઠકો જીતશે. જો કે ભાજપે તમામ આઠ બેઠકો જીતી. ન કેવળ જીતી પરંતુ અભૂતપૂર્વ સરસાઇથી જીતી. ભાજપ કપરાડા બેઠક ચાલીસ હજારથી વધારે અને ડાંગ બેઠક સાહીઠ હજારથી વધારે મતોની સરસાઇથી જીત્યું. અગાઉ 2017માં ભાજપ હજારથી ઓછા માઇનસ મતોથી આ બેઉ બેઠકો પર પાછળ હતું.

જીતેલી તમામ આઠ બેઠકો સામાજીક અને ભૌગોલિક રીતે અલગ અલગ વિસ્તારોમાં હતી. આ બેઠકો ગ્રામીણ અને સેમી અર્બન પ્રકારની હતી. આ ભવ્ય વિજયે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ આત્મવિશ્વાસ ભર્યો જે 2019ની છ બેઠકોની પેટા ચૂંટણીમાં ફીફ્ટી ફીફ્ટી પરિણામ આવવાના કારણે અગાઉ થોડો ડગેલો હતો. વર્ષ 2021માં ભાજપ વધુ એક વિધાનસભાની પેટાચૂંટણી ભવ્ય રીતે જીત્યો. આ મોરવા હડફ બેઠકની પેટાચૂંટણી હતી. 2017માં ભાજપ અહીં માઇનસ 4300 મતના મુકામ પર હતો અને હવે 2021ની પેટા ચૂંટણીમાં 45,000 પ્લસ.

તો સમગ્રતયા જોઇએ તો 2017 અને 2022ની સામાન્ય ચૂંટણીઓની વચ્ચે ગુજરાતે 20 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીઓ જોઇ જેમાંથી ભાજપે 17 પર વિજય મેળવ્યો. 3માં હાર મેળવી પરંતુ એ 3 હાર પૈકી પણ 2 બેઠકોમાં તો પોતાનો હારનો તફાવત 2017ના મુકાબલે ખૂબ ઘટાડ્યો. અમરાઇવાડીની માત્ર પાંચ હજાર મતની આસપાસની સરસાઇથી મળેલી જીત પાછળ ઓછા મતદાનને કારણભૂત ગણાવવામાં આવે છે. થરાદની હાર તો ચોખ્ખી હાર જ હતી.

પેટા ચૂંટણી વિજયની બલકે ભવ્ય વિજયની શૃંખલાના કારણે અને તેમાંય લોકસભાની ચૂંટણીમાં પણ 173 બેઠકો પર પ્લસ રહેવાને કારણે ગુજરાતમાં ભાજપ આત્મવિશ્વાસથી સભર છે અને લોકો પણ ભાજપને વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અગાઉ વધુ શક્તિશાળી પક્ષ તરીકે જોઇ રહ્યા છે. જો કે ભાજપ જીતે છે તેવું જે વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે તેમાં વર્ષ 2021ની સ્થાનિક ચૂંટણીઓના પરિણામોનો પણ ફાળો છે. તેનું ચિત્ર રજૂ કરશું આ શ્રુંખલાના ત્રીજા લેખમાં.