ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે 11.74 લાખથી વધુ યુવા મતદાતાઓ પ્રથમવાર મતદાન કરશે

રાજ્યમાં પ્રથમ તબક્કામાં 5,87,175 અને બીજા તબક્કામાં 5,87,195 યુવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

દેશમાં પ્રથમવાર, ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારો માટે નિયમોમાં સુધારો અમલી

• હવે, 01 જાન્યુઆરી ઉપરાંત 01 એપ્રિલ, 01 જુલાઈ અને 01 ઓક્ટોબરે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો આ ચૂંટણીમાં મતદાન કરી શકશે

• જાન્યુઆરીથી ઓક્ટોબર, 2022 દરમ્યાન 3.24 લાખથી વધુ મતદારો મતદાર યાદીમાં નોંધાયા

• સૌથી વધુ યુવા મતદાર ધરાવતાં જિલ્લાઓમાં અનુક્રમે સુરત, અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા અને દાહોદનો સમાવેશ

• પ્રથમ તબક્કામાં સૌથી વધુ સુરતમાં 1,02,506 યુવા મતદારો

• બીજા તબક્કામાં સૌથી વધુ અમદાવાદમાં 93,428 યુવા મતદારો

ગાંધીનગર: આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વધુને વધુ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જાગૃતિ અભિયાન તથા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં પણ યુવા મતદારોને આકર્ષિત કરવા માટે ભારતના ચૂંટણી પંચે ખાસ ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે યુવા મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે કે, ભારતના ચૂંટણી પંચના નવતર અભિગમના પરિણામે યુવા મતદારોમાં મતદાન કરવાના ઉત્સાહમાં વધારો થયો છે. આ સુધારણા કાર્યક્રમ પછી 10 ઓક્ટોબર,2022ની સ્થિતિએ તા. 1-1-2022થી તા.1-10-2022 દરમિયાન 18 વર્ષના થયા હોય તેવા 3,24,420 યુવાઓ મતદાર યાદીમાં સામેલ થયા છે.

તેમણે ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,175 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં સૌથી વધુ યુવા મતદારોમાં સુરત જિલ્લામાં 1,02,506, ભાવનગરમાં 45,277, રાજકોટમાં 42,973, કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 39,437 છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં ડાંગમાં 8,680, પોરબંદરમાં 13,561, તાપીમાં 13,800, નર્મદામાં 15,796 અને બોટાદમાં 15,612 મતદારો છે.

જ્યારે ગુજરાતમાં બીજા તબક્કામાં યોજાનારી 93 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,195 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદારોમાં અમદાવાદ 93,428, બનાસકાંઠામાં 81,515, વડોદરામાં 47,343, દાહોદમાં 47,194 તેમજ મહેસાણામાં 40,930નો સમાવેશ થાય છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં છોટાઉદેપુરમાં 20,638, મહીસાગરમાં 21,323, અરવલ્લીમાં 23,084, ગાંધીનગરમાં 27,599 અને સાબરકાંઠામાં 31,076 યુવા મતદારો છે. રાજ્યમાં 182 બેઠકો પર યોજાનારી ચૂંટણીનાં બે તબક્કામાં કુલ 11,74,370 યુવા મતદારો પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

અગાઉ કોઈ યુવાનની ઉંમર 1લી જાન્યુઆરીના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય તો તેને તે વર્ષે યોજાતી ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળતો હતો. મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ યુવાઓ ભાગીદાર બને અને લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચે 17 જૂન, 2022ના રોજ રજિસ્ટ્રેશન ઑફ ઈલેક્ટોરલ રૂલ્સ, 1960માં આનુસાંગિક ફેરફાર કરીને યુવા મતદારોની લાયકાતમાં સુધારો કર્યો છે.

પ્રવર્તમાન નીતિ મુજબ, સામાન્ય રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (સામાન્ય રીતે વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં) લાયકાતની તારીખ તરીકે આવતા વર્ષની 01 જાન્યુઆરીના સંદર્ભમાં મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવતી હતી. જેથી આખરી મતદારયાદીનું પ્રકાશન આગામી વર્ષના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કરી શકાય. આનો અર્થ એ થયો કે 01 જાન્યુઆરી પછી 18 વર્ષ પૂર્ણ કરનાર મોટી સંખ્યામાં યુવાનોએ નોંધણી માટે આગલા વર્ષના સ્પેશિયલ સમરી રિવિઝનની રાહ જોવી પડતી હતી. સાથે જ તેઓ આ સમયગાળા દરમ્યાન યોજાતી ચૂંટણીઓમાં ભાગ પણ લઈ શકતા નહોતા. જેમાં ફેરફાર થતાં યુવાનો વર્ષમાં ચાર વખત ‘ફર્સ્ટટાઈમ વોટર‘ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શક્યા છે. દેશગુજરાત