તમામ યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ

ગાંધીનગર: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને તે સફળ થાય તે માટે નિશ્ચિત કાર્યક્રમ તૈયાર કરવા યુનિવર્સિટીઓના કુલપતિઓને અનુરોધ કર્યો છે.

તમામ યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર પાઠવીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, ગુજરાતના તમામ વિશ્વવિદ્યાલયો સાફ-સુથરા, સ્વચ્છ હોવા જોઈએ; અને તો જ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વચ્છ વાતાવરણમાંથી પ્રેરણા લઈને સ્વચ્છતાના સંસ્કારો અપનાવશે, સ્વચ્છતાને આદત તરીકે અપનાવશે.

તેમણે આ પત્રમાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત મિશન દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કર્યા છે. એટલું જ નહીં, જનશક્તિને આ અભિયાન સાથે જોડી પણ છે. આપણા વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય. આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું નહીં, પરંતુ નિરંતર ચાલે તે જરૂરી છે અને તો જ વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા નિત્યકર્મ બનશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કુલપતિઓને અનુરોધ કરતા લખ્યું છે કે, છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓના આવાસ-રૂમોનું પણ સમયાંતરે નિરીક્ષણ થતું રહેવું જોઈએ. એટલું જ નહીં, છાત્રાલય અને શૈક્ષણિક સંકુલોના શૌચાલયની પણ નિયમિત સફાઈ થતી રહે તે પણ સુનિશ્ચિત કરવું પડે. સમગ્ર પરિસરની દીવાલો સ્વચ્છ રહે તે માટે પણ વિશેષ કાળજી જરૂરી છે.

તેમણે તમામ કુલપતિઓને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાની યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરે અને નિશ્ચિત કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને તેની જાણકારી રાજભવનને પણ આપે, જેથી સ્વચ્છતા અભિયાનને હજુ વધુ અસરકારક બનાવી શકાય. દેશગુજરાત