G20 અંતર્ગત ગુજરાતની પ્રથમ ઈવેન્ટ- B20 ઇન્સેપ્શન મીટીંગનો પ્રારંભ

ગાંધીનગર: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G20 પ્રેસિડેન્સી સત્તાવાર રીતે તા.1 ડિસેમ્બર, 2022થી શરૂ થઈ છે.

ગુજરાત પણ શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોનું આયોજન કરીને તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગુજરાતમાં યોજાનારી 15 ઈવેન્ટ્સની યાદીમાં પ્રથમ- બિઝનેસ 20 (B20) ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ હતી.

B20 ઇન્સેપ્શન મીટિંગના ઓપનિંગ સેશનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ, કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સોમ પ્રકાશ ઉપસ્થિત રહ્યા હતા. B20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા શ્રી અમિતાભ કાંત, અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી શ્રી અનુરાગ જૈન, બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી શ્રી સંજીવ બજાજ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી પિયુષ ગોયલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આજે ભારતના વિકાસ માટે ચાર “I” મહત્વપૂર્ણ છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ટિગ્રિટી, ઈન્ક્લુઝિવ ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ આઉટલુકનો સમાવેશ થાય છે.”

શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “ભારતે તેની કેટલીક મહત્વની સમસ્યાઓના ઉકેલ માટે 4 અભિગમો અપનાવ્યા છે, જેમાં આર્થિક વ્યવસ્થાપન, ડિજિટલ અર્થતંત્ર, ડિજિટલ અર્થતંત્રમાં નિયમન અને નવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ફોકસ્ડ કન્ઝમ્પ્શન અને ઇન્વેસ્ટમેન્ટના કમ્બાઇન્ડ એપ્રોચે (કેન્દ્રિત વપરાશ અને રોકાણના સંયુક્ત અભિગમે) ભારતમાં લાંબા ગાળાની ઉત્પાદકતાને પ્રોત્સાહન આપ્યું હતું, જેના પરિણામે મધ્યમ ફુગાવાની સાથે મજબૂત વૃદ્ધિ થઈ હતી.

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશે ભારતીય ઉદ્યોગોની પ્રાથમિકતાઓ વિશે વાત કરી હતી. તેમણે ગ્રીન ડેવલપમેન્ટ અને ક્લાઈમેટ ફાઇનાન્સ, સમાવેશી અને સ્થિતિસ્થાપક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે 2030 એજન્ડાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા વિશે વાત કરી હતી.

G20 માટે ભારતના શેરપાએ તેમના સંબોધનમાં કહ્યું કે, “આપણી સમક્ષ ત્રણ મુખ્ય પડકારો છે (1) ડિજિટલ પરિવર્તનની જરૂરિયાત, (2) ક્લાઈમેટ એક્શનની જરૂરિયાત, (3) આપણા GVCs ને સ્થિતિસ્થાપક બનાવવા માટે ડીકપલિંગ અને ડી-મોનોપોલાઇઝેશનની જરૂરિયાત”.

શ્રી અનુરાગ જૈને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે જ્ઞાન, નવીનતા અને ટકાઉપણું નવા યુગના વિકાસના પથદર્શક તરીકે ઉભરી આવ્યા છે. B20 તેને અનુકૂળ યોગ્ય સૂચનો કરશે.

આ ઇવેન્ટ બાદ B20 ઇન્ડિયા પ્રાયોરિટીઝ પર સ્પેશિયલ પ્લેનરી યોજાઈ, જેમાં બજાજ ફાઇનસર્વના  ચેરમેન અને એમડી શ્રી સંજીવ બજાજ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ OECD ખાતે બિઝનેસના ચેરમેન શ્રી ચાર્લ્સ રિક જ્હોનસ્ટોન, માસ્ટરકાર્ડના વાઈસ ચેરમેન અને પ્રેસિડેન્ટ શ્રી માઈકલ ફ્રોમન ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ક્ષેત્રો અને વૈશ્વિક પ્રાસંગિકતાના વિષયો પર સત્રો યોજાયા હતા:

· સત્ર-1: “ક્લાઇમેટ ચેન્જ: હરિયાળા અને ટકાઉ ભવિષ્ય માટે ક્લીન ઝીરો એનર્જી તરફ ગતિ”

· સત્ર-2: “સમાવેશી અસરને સંચાલિત કરવા માટે ઇનોવેશન પર પુનર્વિચાર અને પુનરોદ્ધાર”

· સત્ર-3: “વૈશ્વિક ડિજિટલ સહકારને પુનઃવ્યાખ્યાયિત કરવો: કૉલ ફોર એક્શન”

· સત્ર-4: “સ્થિતિસ્થાપક ગ્લોબલ વેલ્યુ ચેઇન્સનું નિર્માણ કરવું: તમામના સમાવેશ અને એકીકરણને આગળ વધારવું”

· સત્ર-5: “નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવું અને સોસાયટીઓનું સશક્તિકરણ”

અન્ય વક્તાઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેમાં એમેઝોન વેબ સર્વિસીસના પબ્લિક પોલિસી APACના વડા સુશ્રી ક્વિન્ટ સિમોન, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના સિનિયર રિસર્ચ ફેલો અને રિસર્ચ લીડ્સ ડો. અમિતેંદુ પલિત, HSBC ગ્રુપ ચેરમેનના વરિષ્ઠ સલાહકાર લોર્ડ ઉડની-લિસ્ટર ઓફ વર્ડ્સવર્થ, HCL ટેક્નોલોજીસ લિ.ના ચેરપર્સન સુશ્રી રોશની નાદાર, સેઇડ બિઝનેસ સ્કૂલ, ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડીન પ્રોફેસર સૌમિત્ર દત્તા અને અન્યનો સમાવેશ થાય છે.

ત્યાર બાદ “ગુજરાતના G20 કનેક્ટ” પર એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ પરિવર્તનાત્મક પહેલોની ચર્ચા કરવામાં આવી, સાથે જ ગુજરાત પર એક ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. માનનીય ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને TDS લિથિયમ-આયર્ન બેટરી ગુજરાત પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી હિસાનોરી તાકાશીબાએ ‘ગુજરાત: એક્સિલરેટીંગ ઈન્ક્લુઝિવ ગ્રોથ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ પર વક્તવ્ય આપ્યું હતું.

ઝાયડસ લાઈફ સાયન્સના ચેરમેન શ્રી પંકજ પટેલ અને અરવિંદ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી કુલીન લાલભાઈએ પણ સત્ર દરમિયાન પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

‘ગુજરાતમાં રહેલી તકો’ પરના વિશેષ સત્રમાં વિવિધ ઉદ્યોગોના 250 થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમણે ગુજરાતમાં રહેલી વ્યવસાય અને રોકાણની તકો અંગે એક ઝલક પૂરી પાડી હતી અને તે સંભાવનાઓ પર વાત કરી હતી જેના કારણે રાજ્ય રોકાણકારો માટે વર્ષોથી પસંદગીના સ્થળ તરીકે ઉભર્યું છે. આ સત્રમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર અને ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

તા.24મી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા પુનિત વન ખાતે યોગ સત્ર અને ઈકો-ટૂર તેમજ ગિફ્ટ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિનિધિઓ GIFT સિટીમાં ઓટોમેટેડ વેસ્ટ કલેક્ટેડ સિસ્ટમ, ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ અને યુટિલિટી ટનલની મુલાકાત લેશે. ગિફ્ટ સિટી એ ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફિન-ટેક સિટી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2022માં ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો. તેઓ ગાંધીનગર સ્થિત અડાલજની વાવની પણ મુલાકાત લેશે.