બોટાદ શહેરની નવી વિકાસ યોજના-D.P ને મંજૂરી, રિંગરોડનું નિર્માણ થશે

બોટાદ: ધર્મ, આસ્થા અને સાહિત્યના ત્રિવેણી સંગમ એવા બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના ૭૪મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને દિશા દર્શન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકામાં વિકાસની હરણફાળ ભરી છે અને દેશ માટે વિકાસનું રોલ મોડેલ બન્યું છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી વિકાસના અમૃત કાળમાં પ્રવેશ્યો છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ, સાળંગપુર હનુમાનજી, પાવન તીર્થ ગઢપુર,શનિ મંદિર કુંડળ સહિતના પવિત્ર ધામોની ભૂમિ બોટાદને નમન કરતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રીએ વિકાસનો લાભ દરેક ગામ, નગર અને શહેરને મળી રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે બોટાદના નવા જિલ્લાની રચના કરી હતી અને તેના સુફળ આજે બોટાદ જિલ્લાના નાગરિકો મેળવી રહ્યા છે. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી, કવિશ્રી બોટાદકર, મોહમ્મદ માંકડ જેવા રત્નોની ધરા બોટાદ જિલ્લો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની કટિબધ્ધતા સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યો છે. જનતાને વિકાસમાં સહભાગી બનવાની નેમ હોય અને વિકાસની રાજનીતિની દીર્ઘદ્રષ્ટિ હોય તો કેવું ઉત્તમ સુશાશન આપી શકાય તેનું ઉદાહરણ પ્રધાનમંત્રીશ્રીએ દેશ અને દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

દેશના રાષ્ટ્રીય પર્વોને જુદા જુદા જિલ્લા મથકોએ વિકાસ ઉત્સવો તરીકે ઉજવવાની નવતર પરંપરા વડાપ્રધાનશ્રીએ શરૂ કરી હતી અને તેના પરિણામે જ આજે બોટાદ જિલ્લાને એક જ દિવસમાં ૨૯૭ કરોડના ૩૭૬ વિકાસ કાર્યોની ભેટ મળી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે એક જ જિલ્લામાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં વિકાસ કાર્યો જનસમર્પિત થાય તે વડાપ્રધાનશ્રીની વિકાસની રાજનીતિ અને વિકાસમાં જનભાગીદારીનું ઉદાહરણ છે.

વૈશ્વિક સ્તરે ભારતે મેળવેલી પ્રતિષ્ઠા વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ભારત દેશ અને તેની પ્રગતિને માનની નજરે જુએ છે તે આપણા માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપના કારણે જ ભારત વિશ્વની અર્થવ્યવસ્થામાં પાંચમા ક્રમે પહોંચ્યું છે અને G-20 જેવી અતિ અગત્યની કહી શકાય તેવી પરિષદની અધ્યક્ષતા કરવાનું ગૌરવ દેશને મળ્યું છે.

G-20ની ૧૫ બેઠકો ગુજરાતમાં પણ યોજાઇ રહી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આ બેઠકોની યજમાની કરવાથી આપણી ક્ષમતા અને વિકાસના મોડેલને વિશ્વ ફલક પર રજૂ કરી શકીશું. વડાપ્રધાનશ્રીએ સૂચવેલા માર્ગ પર ચાલતા આપણે સર્વગ્રાહી, સર્વ સમાવેશી, સર્વ સ્પર્શી, સર્વ પોષક વિકાસની નેમ રાખી નાનામાં નાના માનવીને મળવાપાત્ર લાભ વહેલામા વહેલી તકે સરળતાથી મળે તે દિશામાં સતત પ્રયાસો કરી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું હતું કે આ પ્રયાસોના પરિણામે આજે ગરીબ, વંચિત અને સામાન્ય માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં આપણે સફળ રહ્યા છીએ. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લાના વિકાસને વેગવંતો બનાવતા પ્રકલ્પોની ભેટ આપતા તેમણે જાહેરાત કરી હતી કે બોટાદના નાગરિકોને ઘર આંગણે આરોગ્યની આધુનિક અને શ્રેષ્ઠ સારવાર તેમ જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહે તે માટે બોટાદમાં નવી મેડિકલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. વર્ષ ૨૦૩૧માં બોટાદની વસ્તી, સંભાવના અને આવાસ, મકાનો, ટ્રાફિક, ઔદ્યોગિક જરૂરિયાતના અંદાજને ધ્યાનમાં લઈને ૩૭૪૦ હેકટરના ડેવલપમેન્ટ પ્લાનિંગને મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેરતા કહ્યું હતું કે આવનારા દિવસોમાં બોટાદમાં ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે અમદાવાદની જેમ અહીં પણ ૪૦ મીટરનો રિંગરોડ નિર્માણ પામશે. જેની બન્ને બાજુ રહેણાંક સુવિધાઓ ઉભી થશે. જેનાં કારણે સામાન્ય વર્ગને પણ સરળતાથી ઘરનું ઘર મળશે. આ ઉપરાંત જિલ્લાના સર્વગ્રાહી વિકાસ માટે રુપિયા પાંચ કરોડની રકમ જિલ્લા તંત્રને આપવામાં આવે છે. આ રકમ પૈકી અઢી કરોડ રુપિયા નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે અને બીજા અઢી કરોડ રુપિયા પંચાયત વિસ્તારોના વિકાસ માટે ફાળવવામાં આવે છે.

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ધન્ય ધરા બોટાદ’ યોજાયો હતો તથા વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર બોટાદ જિલ્લાના શ્રેષ્ઠીઓ-સંસ્થાઓનું મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આ પ્રસંગે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને માહિતી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિકાસ પુસ્તિકા ‘બેનમૂન બોટાદ’ , કોફી ટેબલબૂક ‘બેજોડ બોટાદના અજોડ આસ્થાસ્થાનકો’ તથા ‘ગુજરાત ગૌરવ ગાથા શ્રેણી’ અંતર્ગત ૭૫ વીરોની ૨૫ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરવામાં આવેલી વિશેષ આતશબાજી દ્વારા આકાશ ઝગમગી ઉઠ્યું હતું.

આ પ્રસંગે ભાવનગરના સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, ગઢડાના ધારાસભ્યશ્રી મહંતશ્રી શંભુપ્રસાદજી ટુંડીયા, ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી, જંબુસરના ધારાસભ્ય શ્રી ડી. કે . સ્વામી, રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ શ્રી રાજકુમાર, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ ઝા, અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશ, રાજ્ય પોલીસ વડાશ્રી આશિષ ભાટિયા, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવશ્રી અશ્વિની કુમાર, જિલ્લાના પ્રભારી સચિવ સંજીવ કુમાર સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તાજેતર ના લેખો