બોરસદ ચોકડી ત્રિ-પાંખીયા ફ્લાયઓવર તથા કોમ્યુનિટી હોલનું ઇ-લોકાર્પણ

આણંદ: આણંદ બોરસદ ચોકડી ખાતે રૂપિયા ૬૦.૫૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજ અને આણંદ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા ૨૩૪.૩૮ લાખના ખર્ચે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું રાજયના આરોગ્ય અને કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇ- લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલે ચિંધેલા માર્ગે આગળ વધી દેશના વિકાસને ઝડપથી આગળ ધપાવ્યો છે, જેના કારણે આજે વિશ્વમાં ભારતની એક આગવી ઓળખ ઉભી થઇ છે, અને ભારત વિશ્વગુરૂ બનવા તરફ આગળ વધી રહયો છે.

ગુજરાતના વિકાસમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રીનું બહુમુલ્ય યોગદાન રહયું છે, તેમ જણાવી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે, કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા લોકસુખાકારી માટે ગુજરાતમાં પ્રાથમિક સુવિધાની સાથે માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ગુજરાતના વિકાસ થકી દેશના વિકાસનું કાર્ય આરંભ્યુ છે. એટલું જ નહી ૨૧મી સદીમાં ટેકનોલોજીના યુગમાં ઇન્ટરનેટના માધ્યમથી દેશ – દુનિયા સાથે લોકોને જોડયા છે, જેના પરિણામે આજે આપણે સમગ્ર વિશ્વમાં UPI પેમેન્ટમાં અગ્રેસર બન્યા છીએ.

રાજયમાં વસતા નાગરિકોની સુખાકારી માટે સતત કાર્યરત સરકારે રાજયના લોકોની આશા – અપેક્ષા મુજબની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી ગુજરાતના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડયો છે. તેમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, ગુજરાત દેશ – દુનિયાના વિકસીત દેશો સાથે હરિફાઈ કરી આગળ વધી શકે તે માટે રાજય સરકાર સંનિષ્ડતા સાથે કાર્ય કરી રહી છે.

તેમણે આ તકે આણંદના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મૂક્તિ મળે તે માટે નિર્માણ કરવામાં આવેલા રેલવે બ્રીજનું ઈ-લોકાર્પણ કરી આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહયાં હોવાનું જણાવ્યું હતુ.

આ પ્રસંગે સાંસદશ્રી મિતેશભાઇ પટેલ આ ફ્લાયઓવર રેલ્વે બ્રિજના નિર્માણના કારણે આણંદના શહેરીજનોની વર્ષો જુની સમસ્યાનો અંત આવ્યો હોવાનું જણાવી આણંદ જિલ્લામાં આવનારા સમયમાં વિકાસના અનેકવિધ કામો હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યુ હતું.

તેમણે આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય – કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત હાથ ધરવામાં આવેલ કામગીરી અને આવનારા સમયમાં હાથ ધરાનાર કામગીરીનો ઉલ્લેખ કરી વધુમાં ઉમેર્યું હતુ કે, સમગ્ર રાજયની સાથે આણંદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો પણ સમતોલ – સમાન વિકાસ થઈ રહયો છે.

આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્યશ્રી યોગેશ પટેલે જણાવ્યું હતુ કે, શહેરના વિકાસ માટે આગામી સમયમાં તુલસી ટોકીઝ ગરનાળાથી હાઇવે ગેલોપ્સ સુધીના ફોર લાઇન રસ્તાના નિર્માણનું કાર્ય હાથ ધરાશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડી.એસ.ગઢવી, આણંદ પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, આણંદ નગરપાલિકા પ્રમુખશ્રી રૂપલબેન પટેલ, પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગ અને માર્ગ -મકાન વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના સદસ્યો, અધિકારી – પદાધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.