શિવરાજપુર બીચ ખાતે રેતશિલ્પ મહોત્સવ

દેવભૂમિ દ્વારકા:  ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેતશિલ્પ મહોત્સવનો શિવરાજપુર બીચ ખાતે આજરોજ મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રેતશિલ્પકારોએ અદભુત પ્રકારના શિલ્પ બનાવીને પોતાની આગવી  કળા પ્રદર્શિત કરી હતી.  જેમાં શ્રીકૃષ્ણ – અર્જુન, દ્વારકાધીશ મંદિર, લાલ કિલ્લો, જી-૨૦ સિમ્બોલ, જલપરી, સોમનાથ મહાદેવ શિવલિંગ, હનુમાનજી, ઓખો જગથી નોખો તથા ગણેશજીની સુંદર પ્રતિકૃતિ  બનાવી હતી. 

આ રેતશિલ્પ મહોત્સવની મુખ્ય થીમ રણ સંગ્રામ મધ્યે શ્રીકૃષ્ણાર્જુન છે જે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને રણ સંગ્રામ સમયે ગીતા ઉપદેશ આપ્યો હતો તેનું નિદર્શન કરે છે. જે આગવી ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવે છે. 

આ તકે લલિત કલા અકાદમીના સચિવશ્રી ટી.આર.દેસાઈ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રેતસિલ્પ કલાકારોને પોતાની આગવી ઓળખ ઉજાગર કરવાની તક મળે તેમજ પ્રવાસન સાથળ શિવરાજપુર  ખાતે ફરવા આવતા સહેલાણીઓને ભારતીય સંસ્કૃતિ તથા રેતશિલ્પ કલા વધુ જાણકારી મળે તે હેતુથી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે ઓખા નગરપાલીકા પ્રમુખશ્રી ઉષાબહેન ગોહેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી જેઠાભાઈ હાથિયા, ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ મીઠાપુરના  આસિસ્ટન્ટ મેનેજર મુકેશ સોલંકી , ટી. સી.એસ.આર. ડી ના પ્રોગ્રામ મેનેજર રાણીબેન વિકમા તથા શિવરાજપુર બીચના મેનેજર વેરશી માણેક ઊપસ્થિત રહ્યા હતા. તેમજ બહોળી સંખ્યામાં આવેલ સહેલાણીઓએ મહોત્સવ નિહાળ્યો હતો.