ગુજરાત પોલીસ દ્વારા e-FIRમાં મળેલી ફરિયાદોની પુન:તપાસ કરી ગુનો નોંધવા માટે ખાસ ઝુંબેશનું આયોજન

ગાંધીનગર: ગુજરાત પોલીસ દ્વારા ૨૩મી જુલાઈ, ૨૦૨૨થી વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ ઉપર ફરિયાદ નોંધવા માટે e-FIRની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. eFIR સીસ્ટમ અંતર્ગત ૮મી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં કુલ ૭૯૫૩ અરજીઓ મળી હતી. જેમાંથી ૧૭૯૯ અરજીઓ માટે FIR નોંધવામાં આવી છે, જ્યારે બાકીની ૬૧૫૪ અરજીઓને દફતરે કરવામાં આવી છે. દફતરે કરેલી અરજીઓ અંગે સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો, ગાંધીનગરને નકારાત્મક પ્રતિભાવો મળતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝુંબેશનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ખાસ ઝુંબેશ અંતર્ગત સ્થાનિક પોલીસ દ્વારા દફતરે કરાયેલી અરજીઓની પુન:તપાસ કરી, FIR નોંધવાની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

ખાસ ઝુંબેશ દરમિયાન રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં ૨૩/૭/૨૦૨૨ થી ૮/૨/૨૦૨૩ સુધીના સમયગાળામાં દફતરે કરેલી અરજીઓની યાદી તૈયાર કરાશે, અરજદારો પાસેથી વિગતો મેળવી, સ્થળની મુલાકાત કરાશે અને પ્રથમ દ્રષ્ટિએ તે નોંધનીય ગુનો ફલિત થતા FIR નોંધાવાની કાર્યવાહી કરવામાં આવશે. વાહન ચોરી અંગે દાખલ થયેલા ગુનાઓમાં વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર નેત્રમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને આપી ANPR કેમેરાની મદદથી તેની સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત મોબાઈલ ચોરીના ગુનામાં ગુજરાત પોલીસ દ્વારા IMEI નંબરને ઓબ્ઝર્વેશનમાં મૂકી મોબાઈલને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ ખાસ ઝુંબેશ દરમિયાન ચોરાયેલા વાહન અને મોબાઈલ પરત મળતા સંબંધિત ન્યાયાલય મારફતે વાહનો અને મોબાઈલ ફરિયાદીને પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે.