બીબીસી ડોક્યુમેન્ટરી ભારત વિરોધી પ્રચારની ટૂલકીટ : બીબીસી ડોક્યુમેન્ટરી વિરુદ્ધ લવાયેલા સંકલ્પને વિધાનસભા ગૃહમાં સ્ટેન્ડિંગ ઓવેશન

ગાંધીનગર : ભારતના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી પર બીબીસી દ્વારા તૈયાર કરાયેલી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ દસ્તાવેજી ફિલ્મ એ ભારત-૧૩૫ કરોડ ભારતીયોના વિરોધમાં પ્રચારની ટૂલકીટ છે તેમ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ બીબીસી દ્વારા તૈયાર કરાયેલ દસ્તાવેજ ફિલ્મની સામે ટીકા કરતાં અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા કેન્દ્ર સરકારને અનુરોધ કરવા ધારાસભ્ય શ્રી વિપુલકુમાર પટેલના બિનસરકારી સંકલ્પ પર પોતાના વિચારો રજૂ કર્યાં હતાં. જે વ્યક્તિએ તપસ્યા કરીને પોતાનું જીવન દેશ અને રાજ્યને સમર્પિત કર્યું છે તેમને બદનામ કરવા માટે બનાવાયેલી આ ફિલ્મ વિરુદ્ધ લવાયેલા સંકલ્પને વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યશ્રીઓએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બીબીસીની આ દસ્તાવેજી ફિલ્મ ‘મોદી ફોબિયા’, ‘ઇન્ડિયા ફોબિયા’નું ઉદાહરણ છે. આ ઢોંગી બીબીસીએ વર્ષ ૨૦૧૪થી ભારત વિરોધી વલણ અપનાવ્યું છે. બીબીસીએ દિલ્હી નિર્ભયાકાંડ પર પણ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી, તેમાં પણ દીકરીને ન્યાય અપાવવાના બદલે આરોપીઓને છાવરવાનો હીન પ્રયાસ કરાયો છે.

મંત્રી શ્રી સંઘવીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી મોદી ભારતને નંબર વન બનાવવા દિવસ-રાત ૧૮-૧૮ કલાક પરિશ્રમ કરી રહ્યા છે.તેમના નેતૃત્વમાં ભારત અત્યારે જી૨૦નું અધ્યક્ષસ્થાન સન્માનભેર નિભાવી રહ્યું છે, જેની સમગ્ર વિશ્વ પ્રસંશા કરે છે. બીબીસીએ આ આરોપ શ્રી નરેન્દ્રભાઈ મોદી પર નહીં, પણ ૧૩૫ કરોડ ભારતીયો પર લગાવ્યો છે. તેનો તમામ ભારતીયો સખત શબ્દોમાં ટીકા કરી રહ્યાં છે. તેમનો બીબીસી વિરોધી ગુસ્સો દેશભરમાં જોવા મળી રહ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી સંઘવીએ કહ્યું હતું કે, ગોધરાકાંડની ઘટનાના ૨૦-૨૦ વર્ષ બાદ પણ આજે બીબીસી ભારત વિરોધી ષડયંત્ર રચી રહ્યું છે. ભારતના કરોડો લોકોએ લોકશાહી ઢબે ચૂંટીને શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવ્યા છે ત્યારે કહેવાતી ન્યૂઝ ચેનલો, પત્રકારો, પ્રેસ સ્વતંત્રતાના નામે ભારતને અને કરોડો ભારતીયોને બદનામ કરવાનો કારસો રચ્યો છે, જે કોઈપણ સંજોગોમાં સાંખી લેવાશે નહીં તેમ મંત્રીશ્રીએ ગૃહમાં સંકલ્પ પર ઉમેર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી એ જણાવ્યું છે કે બીબીસી બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ ડોક્યુમેન્ટરી થકી વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે છબીને બદનામ કરવાનો હિન પ્રયાસ કરાયો છે. જે 135 કરોડ દેશવાસીઓ ક્યારેય સાંખી લેશે નહીં.

શ્રી સંઘવીએ જણાવ્યું કે, બીબીસી દ્વારા ‘ઇન્ડિયા ધ મોદી કવેશ્ચન’ ડોક્યુમેન્ટરી બહાર પાડવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીને અનેક ન્યુઝ ચેનલોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ગણાવી છે. માત્ર દેશના વડાપ્રધાનની જ વિરુદ્ધ નહીં પરંતુ દેશના ૧૩૫ કરોડ ભારતીયો વિરુદ્ધ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

જેમણે આ સભાગૃહમાં એક પછી એક ઐતિહાસિક નિર્ણયો લીધા છે એ જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો નાનપણથી જ એકબીજાને મદદરૂપ થવાનો સ્વભાવ રહ્યો છે. સમાજસેવા માટે ઘર ત્યાગ કરી દેશભરમાં પ્રવાસ ચાલુ કર્યો હતો. મોરબી મચ્છુ ડેમ ની ઘટના નું સૌપ્રથમ બ્રેકિંગ બીબીસી માં કરવામાં આવ્યું હતું. બીબીસીએ જો સાચું જ સર્વે કર્યું હોત તો ખબર પડત કે આ દુર્ઘટનાના બચાવ કાર્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ હતા. કારગિલ યુદ્ધ વખતે પણ હિમાચલ પ્રદેશમાં ઘાયલ સૈનિકોની સેવામાં શ્રી નરેન્દ્ર મોદી જોડાયેલા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત દેશનો નંબર વન રાજ્ય કેવી રીતે બને તે માટે અવિરત પ્રયત્ન કરતા રહ્યા હતા. ગુજરાતને કર્ફ્યું મુક્ત રાજ્ય બનાવવું અને નાગરિકો સદાય સુરક્ષિત રહે તેવું સ્વપ્ન જોયું હતું અને જેને તેમણે પૂર્ણ પણ કર્યું હતું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધી તેમના ઉપર અનેક આરોપો લગાડવામાં આવ્યા હતા.
મંત્રી શ્રી હર્ષ સંઘવીએ વર્તમાન ભારતને શ્રી મોદી સ્વરૂપે મળેલા મક્કમ અને નિર્ણાયક નેતૃત્વની વાત કરતા કહ્યું કે, પહેલા દેશમાં એવી સ્થિતિ હતી કે ‘ગોલી મારો ભાગ જાઓ’ પરંતુ હવે મોદીએ દેશનું શુકન સંભાળ્યું ત્યારથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે કોઈ ગોળી મારે તો તે દુશ્મન દેશને ત્યાં એર સ્ટ્રાઈક-સર્જીકલ સ્ટ્રાઈક થઈ જાય છે. સ્વાભાવિક પણે આ મક્કમ નેતૃત્વ ભારત વિરોધી દેશને ન ગમે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને શ્રી મોદીની છબી ખરડાય તેવા પ્રોપેગેંડા ચલાવી દેવામાં આવે છે.

દેશના પ્રધાનમંત્રી બનવાની સાથે જ ભારતને વિશ્વમાં નંબર વન કેવી રીતે બનાવી શકાય તેવી સુદ્રઢ સઘન આયોજિત કામગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ કહેવાતા બુદ્ધિજીવી લોકોએ આરોપો લગાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અટક્યા નહિ અને દેશના ગરીબોના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્વલા યોજના અને ઉજાલા યોજનાઓ અમલી બનાવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, જમ્મુ કાશ્મીર ભારતનો મુગટ છે. એક દેશમાં બે વિધાન કેવી રીતે? એક દેશમાં એક વિધાનનું સ્વપ્ન પૂરું કરનાર આજ નરેન્દ્રભાઈ મોદી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી યુવાનોનું સ્વપ્ન સાકાર કર્યું છે.

મંત્રી શ્રી એ ઉમેર્યું કે, જે ગોધરા ટ્રેનના ડબ્બા સળગાવવાની પૂર્વ આયોજિત ઘટના બની હતી તે ઘટનામાં અયોધ્યાથી આવી રહેલા કાર સેવકો બેઠા હતા. ટ્રેનના ચેન પુલિંગ બાદ એ જ બે ટ્રેનના ડબ્બા સળગાવી દેવામાં આવ્યા જેમાં કાર સેવકો બેઠા હતા. આ ડબ્બામાં 59 નિર્દોષ વ્યક્તિઓના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટના બાદ લોકોમાં સ્વયંભૂ રોષ ફાટી નીકળ્યો હતો અને પછી રમખાણો થયા. પરિસ્થિતિ કાબુમાં લેવા માટે લશ્કરને એર લિફ્ટ કરાયું હતું. સને ૨૦૦૨ની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓના સંદર્ભમાં ઝીણવટભરી તપાસ કરી એના પ્રતિભાવ રૂપે, રાજ્ય સરકારે, તા.૦૬/ ૦૩/૨૦૦૨ના જાહેરનામાથી,ન્યાયમૂર્તિ શ્રી કે.જી.શાહ હેઠળ તપાસ પંચની રચના કરી તેમજ તા.૨૧/૦૫/૨૦૦૨ની અધિસૂચનાથી નિવૃત્ત જસ્ટીસ શ્રી જી. ટી. નાણાવટીને નાણાવટી-શાહ કમિશનના અધ્યક્ષ તરીકે તેમજ નિવૃત્ત હાઇકોર્ટ જસ્ટીસ શ્રી કે.જી.શાહને સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા. આ તપાસ પંચના કાર્યક્ષેત્રમાં સરકારે તા. ૨૦/૦૭/૨૦૦૪ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને તેમના મંત્રીઓની વર્તણૂંકને કમિશનના તપાસ દાયરામાં સમાવીને ઇતિહાસ રચ્યો હતો.આ અભૂતપૂર્વ કાર્યવાહી એ જવાબદેહી અને પારદર્શિતાના સિદ્ધાંતને પૂર્ણ કર્યો છે.

આ તપાસપંચ દ્વારા હાથ ધરાયેલ વિસ્તૃત તપાસના અંતે પંચ એવા તારણ પર આવ્યું હતું કે,ગોધરા રેલ્વે સ્ટેશને તા.૨૭/૦૨/૨૦૦૨ના રોજ ટ્રેનનો ડબ્બો સળગાવવાની ઘટના એ પૂર્વ આયોજિત કાવતરું હતું. તા. ૨૭/૦૨/૨૦૦૨ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલ કોમી રમખાણો સ્વયંભુ હતાં.

આ રમખાણોમાં રાજય સરકાર, ધાર્મિક સંગઠન કે રાજકીય પક્ષે કોઇ ભૂમિકા ભજવી હોવાના કોઇ પૂરાવા મળ્યા ન હોવાનું તપાસ પંચે અહેવાલમાં જણાવેલ છે.

વિધાનસભા ખાતે ધારાસભ્ય શ્રી વિપુલકુમાર પટેલે બિનસરકારી સંકલ્પ રજૂ કરતાં કહ્યું હતું કે, તાજેતરમાં બ્રિટીશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (બી.બી.સી.) દ્વારા બહાર પાડવામાં આવેલ ડોક્યુમેન્ટરીમાં સને ૨૦૦૨માં સર્જાયેલ ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં થયેલ કોમી રમખાણો સંદર્ભમાં તત્કાલીન રાજય સરકારને દોષીત ઠેરવવાનો ફરી એકવાર દુષ્પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ બાબતને વિચારણામાં લઇને, ઘટનાક્રમની સમીક્ષા કરવી એ આ સભાગૃહ માટે અગત્યનું બની રહે છે કે જે ૨૦૦૨ની ગુજરાતની હિંસામાં વર્તમાન વડાપ્રધાનશ્રીને સ્પષ્ટ રીતે નિર્દોષ હોવા તરફ દોરી જાય છે. વધુમાં, ગુજરાતની સરકાર વતી કોઇ સાંઠગાંઠ અને નિષ્ક્રિયતા થઇ હોવા સંબંધમાં નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા દ્રઢતાપૂર્વક ઇન્કાર કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ પ્રસિધ્ધ થયેલ બી.બી.સી. ડોકયુમેન્ટરી દ્વારા ગુજરાતની આ ઘટનાઓના સંદર્ભમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી મોદી સાહેબની છબી અને લોકપ્રિયતાને ઇરાદાપૂર્વક નુકશાન પહોંચાડવાનો હીન પ્રયાસ કરાયો છે. ઘટનાના 20 વર્ષ બાદ ડોકયુમેન્ટરી દ્વારા વડાપ્રધાનશ્રીની આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી પ્રતિષ્ઠા,તેમનું અડગ નેતૃત્વ અને સામાજિક તથા આર્થિક ક્ષેત્રે ભારતને વિશ્વમાં અગ્રીમ સ્થાન અપાવવાના તેમના દ્રઢ ઇરાદાને નિષ્ફળ બનાવવાના એજન્ડા સહિત ઘટનાના 20 વર્ષ બાદ તેની ડોક્યુમેન્ટરી જાહેર કરીને બી.બી.સી.નકારાત્મક ભૂમિકા ભજવી રહ્યું હોય તેમ જણાય છે આ ડોકયુમેન્ટરી દ્વારા ગુજરાતમાં બનેલી આ કમનસીબ ઘટનાઓ માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રીને સીધા જ જવાબદાર ગણાવે છે,જે નાણાવટી કમિશને ગોઘરાકાંડ તેમજ ત્યાર બાદના કોમી બનાવો અંગે રાજ્ય સરકારને “ક્લીન ચીટ” આપે છે, આ તેનાથી તદ્દન વિપરીત છે.

તેમણે ઉમેર્યુ કે,કેટલાક તેજોદ્વેષી તત્વો તથા વિદેશી સરકારના હાથા બની બેઠેલા એન. જી.ઓ. દ્વારા તત્કાલિન મુખ્યમંત્રીશ્રી, પદાધિકારીઓ તેમજ અધિકારીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર ઠેરવવાની માગણી સાથે મેટ્રો કોર્ટ, ગુજરાત હાઇકોર્ટે અને સુપ્રીમ કોર્ટ સુધી કરેલ પ્રયાસો અસફળ રહ્યા છે. વર્ષ ૨૦૦૨ની ઘટનાઓને ખોટી રીતે રજૂ કરતી બી.બી.સી.ની આ ડોકયુમેન્ટરી બદઇરાદા પ્રેરીત અને ભારતની વૈશ્વિક છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાવવાનો આ સૌથી હીન કક્ષાનો પ્રયાસ છે.

ભારત એક લોકશાહી દેશ છે અને અભિવ્યકિત ની સ્વતંત્રતા તેના બંધારણના પાયામાં છે, પરંતુ, તેનો અર્થ એવો નથી કે આવી સ્વતંત્રતાનો દુરૂપયોગ કરીને, કોઇ સમાચાર માધ્યમ સ્વચ્છંદતાપૂર્વક વર્તે.જો કોઇ આવું વર્તન કરે કે કૃત્ય કરે તો તેને સહેજ પણ સાંખી લઇ શકાય નહિ. બી.બી.સી. તેની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે અને ભારત દેશ તથા ભારત સરકાર સામે કોઈ છૂપા એજન્ડા સાથે કામ કરી રહ્યું હોય તેમ જણાય છે.

આથી બી.બી.સી.ની ડોકયુમેન્ટરીમાં દર્શાવેલ મનઘડંત તારણો સામે કડક પગલાં લેવા આ સભાગૃહ કેન્દ્ર સરકારને અનુરોધ કરે છે તેમ ગૃહમાં ધારાસભ્યશ્રી પટેલે ઉમેર્યું હતું.