નવા ૧૫૦ સ્થાયી અને ૨૫૦ ફરતા પશુ દવાખાના, ૫ પશુ વિજ્ઞાન કેન્દ્રો શરુ કરાશે: મંત્રી

ગાંધીનગરઃ પશૂપાલન,ડેરી વિકાસ અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે,રાજયના પશુપાલકોના સર્વાગી અને આર્થિક વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે અને એ માટે સમયબધ્ધ આયોજન કરીને સધન પગલાંઓ લઈ રહી છે.

પશુપાલન મંત્રીશ્રી રાધવજી પટેલે આજે વિધાનસભા ખાતે પશૂપાલન,ડેરી વિકાસ અને ગૌસંવર્ધન વિભાગની અદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પશુપાલકોના સર્વાગી વિકાસ માટે રાજય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં પશુપાલન,ડેરી વિકાસ અને ગૌસંવર્ધન ક્ષેત્રે વર્ષ ૨૦૨૨-૨૩ ની કુલ જોગવાઈની સાપેક્ષે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૮.૬૨ ટકાનો વધારો કરીને 

કુલ રૂ.૧૭૦૭ કરોડની ફાળવણી કરી છે એ રાજ્ય સરકારની પશુપાલકો,ગૌ-શાળા, પાંજરાપોળ અને સહકારી ડેરી માળખાને મદદરૂપ થવાની કટિબદ્ધતા દર્શાવે છે.

મંત્રીશ્રી એ ઉમેર્યું કે,વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં પશુપાલન,ડેરી વિકાસ અને ગૌસંવર્ધન ક્ષેત્રની મુખ્ય બાબતોમાં ૧૨ દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે પશુ ખરીદી પર વ્યાજ સહાય તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ માટે સહાયની યોજના માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ તેમજ ગાભણ અને વિયાણ થયેલ પશુઓ માટે ખાણ-દાણ સહાયની યોજના માટે રૂ. ૪૪ કરોડની જોગવાઈ કરીને પશુપાલકો ને સીધો જ લાભ થાય એવી ઉપલબ્ધ યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

તેમણે ઉમેર્યું કે,રાજ્યમાં પશુ ચિકિત્સાલક્ષી સેવાઓને વધૂ સુદ્રઢ કરવા માટે રાજયની ૧૮૩૨ સરકારી પશુસારવાર સંસ્થાઓ ખાતે નિ:શુલ્ક પશુ સારવાર ઉપલબ્ધ બને તે માટે “મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુસારવાર યોજના માટે રૂ. ૨૮ કરોડની જોગવાઈ, “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના હેઠળ શરૂ કરાયેલ કુલ ૪૬૦ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા માટે રૂ. ૮૧ કરોડની જોગવાઈ તેમજ માલિકવિહોણા અબોલ પશુઓની સારવાર તેમજ આકસ્મિક પશુ સારવાર માટે કાર્યાન્વિત કરવામાં આવેલ કુલ ૩૭ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ની સેવાઓ ચાલુ રાખવા માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે. 

તેમણે કહ્યું કે,વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૫૦ નવીન સ્થાયી પશુ દવાખાના તેમજ ૨૫૦ ફરતા પશુ દવાખાના શરુ કરી રાજ્યમાં પશુ ચિકિત્સાને વધુ સઘન બનાવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. જેના માટે કુલ રૂ. ૪૫.૩૦ કરોડની જોગવાઈ ચાલુ વર્ષના અંદાજપત્રમાં કરાઈ છે.

આ ઉપરાંત કુલ રૂ. ૪૮ કરોડના ખર્ચે રાજ્યમાં પશુ સારવાર સંસ્થાઓ માટે નવીન બાંધકામ અને મરામતના કામો હાથ ધરવા માટે પણ અંદાજપત્રમાં આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારની સહાયથી પાટણ ખાતે કાર્યરત કરવામાં આવેલ સેક્સડ સીમેન લેબોરેટરી માં ઉત્પાદિત થયેલ સીમેન ડોઝનાં ઉપયોગ થી ૯૧ ટકા વાછરડી-પાડીનો જન્મ થઈ રહ્યો હોવાનો મંત્રીશ્રીએ ઉલ્લેખ કરીને કહ્યું કે, સેક્સડ સીમેનની સાથે પશુઓમાં આઈ.વી.એફ. થી ગર્ભધારણની નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવે તે માટે પશુપાલકોને સહાય આપવા રૂ. ૧. ૫૦ કરોડ ની જોગવાઈ તેમજ રાજ્ય વ્યાપી સઘન ખસીકરણ યોજના દ્વારા ગાય વર્ગના નર પશુઓનું ખસીકરણ કરવા માટે રૂ. ૨.૫૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે,ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર/ગોડાઉન બાંધકામની સહાય આપવા રૂ. ૧૨ કરોડની જોગવાઈ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસા વવા માટે સહાય પૂરી પાડવા રૂ.૧૨ કરોડ ની જોગવાઈ કરાઈ છે.

કામધેનુ યુનિવર્સિટી હેઠળ કચ્છ જિલ્લામાં અને રાજપુર (નવા), હિંમતનગર ખાતે નવી વેટરીનરી કોલેજની સ્થાપના થઇ છે, આ બંને કોલેજના સુદ્રઢીકરણ માટે કુલ રૂ.૧૬.૫૦કરોડની જોગવાઈ તેમજ પશુપાલન ક્ષેત્રે થતા સંશોધનો પશુપાલકો સુધી પહોંચાડવા માટે કામધેનુ યુનિવર્સિટી હેઠળ નવા પાંચ પશુ વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના કરવા માટે રૂ. ૭૫ લાખની જોગવાઈ અંદાજપત્રમાં કરાઈ છે.

મંત્રીશ્રી એ ઉમેર્યુ કે, ગૌવંશના નિભાવ માટે રાજ્યની ગૌશાળા-પાંજરાપોળો અમુલ્ય ફાળો આપી રહી હોય ત્યારે રાજ્યની આવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશનાં પોષણ અને નિભાવ માટે આર્થિક રીતે સહાયરૂપ થવા જીવદયાને વરેલી રાજય સરકારે ૨૦૨૨-૨૩ માટે જાહેર કરેલ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય માટે રૂ.૫૦૦ કરોડની જેટલી માતબર રકમની જોગવાઈ વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં કરાઈ છે.

વિધાનસભા ખાતે પશુપાલન, ડેરી વિકાસ અને ગૌસંવર્ધન વિભાગની માંગણીઓ પસાર કરાઈ હતી.

તાજેતર ના લેખો