વિદ્યા સાધના યોજના હેઠળ ST વિદ્યાર્થીનીઓને બે વર્ષમાં ૪,૪૯૯ સાયકલોનું વિતરણ

ગાંધીનગરઃ આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે,ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દૂરના અંતરે આવેલી હોવાથી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓમાં સામાન્યતઃ ધોરણ ૮ નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શિક્ષણ ચાલુ રાખે તે હેતુથી વિદ્યા સાધના યોજના ૧૯૯૫માં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીનીના રહેઠાણથી શાળા દૂર હોય તો પણ તેનો અભ્યાસ અટકે નહી.

     આજે વિધાનસભા ખાતે રાજકોટ જિલ્લામાં ધોરણ-૯ માં અભ્યાસ કરતી અનુ. જનજાતિની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ ૧૯જિલ્લાઓમાં ૭૪,૪૯૯ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે જેનો કુલ ખર્ચ રૂ. ૩,૨૨૯,૫૮ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૭૦ અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકાલોનું  વિતરણ કરવામાં આવ્યું છે જેનો કુલ ખર્ચ રૂ. ૭,૩૭,૯૫૪ કરવામાં આવ્યો છે. 

     મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારના લાભાર્થીના રહેઠાણની મર્યાદા ૨.૫૦ કી.મી અને શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લાભાર્થીના રહેઠાણની મર્યાદા ૩ કી.મી દૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારની કૌટુંબિક આવક રૂ.૧,૨૦,૦૦૦ સુધી અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦ પણ દૂર કરી ૬ લાખ કરવામાં આવી છે.