રાજ્ય સરકાર અને દિપક કેમટેક લિમિટેડ વચ્ચે રૂ. પ૦૦૦ કરોડના MoU

ગાંધીનગર: રાજ્ય સરકારે દિપક કેમટેક લિમિટેડ-DCTL સાથે રૂ. પાંચ હજાર કરોડના મૂડીરોકાણ માટેના MoU  સંપન્ન કર્યા હતા.
રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર અને DCTLના ડિરેક્ટર શ્રી મેઘવ મહેતાએ આ MoUની આપ-લે કરી હતી.
આ MoU અંતર્ગત દિપક કેમટેક લિમિટેડ દહેજ ખાતે કુલ રૂ. પ૦૦૦ કરોડના મૂડીરોકાણથી સ્પેશિયાલિટી કેમિક્લ્સ, ફીનોલ/એસિટોન અને બાયસ્ફીનોલનું ઉત્પાદન કરવા માટેના ૩ પ્રોજેક્ટ સ્થાપશે, પરિણામે ૧પ૦૦ લોકોને રોજગારીના અવસર મળશે. આ પ્રોજેક્ટસ વર્ષ ર૦ર૬-ર૭ સુધીમાં કાર્યરત થશે તેમ કંપનીના ડિરેક્ટરે જણાવ્યું હતું.
આ પ્રસંગે DCTLની પેરેન્ટ કંપની દિપક નાઇટ્રેડ લિમિટેડના ચેરમેન શ્રી દિપક મહેતાએ રાજ્ય સરકારે કોવિડ મહામારીના સમયગાળામાં ઉદ્યોગોને કરેલી મદદ અને પ્રોત્સાહન સહાયને ખાસ બિરદાવ્યાં હતાં.
શ્રી મહેતાએ જણાવ્યું કે, પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીયરીનું વર્તમાન માર્કેટ ૧૮૦ બિલિયન યુ.એસ. ડોલર છે જે થોડા વર્ષોમાં વધીને ૬પ૦ બિલિયન યુ.એસ. ડોલર થઇ જશે. ગુજરાત આ ક્ષેત્રે પ૦% એટલે કે ૩૦૦ બિલિયન ડોલરની કિંમતના પેટ્રોકેમિક્લ્સ ઇન્ટરમિડીએટનું ઉત્પાદન કરવાની ક્ષમતાં કેળવી શકે છે ઉપરાંત કેમિકલ્સ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ ક્ષેત્રે પણ સિદ્ધિ મેળવી શકાશે.