૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંબાજીથી કરાશેઃ MISTHI યોજના લોન્ચ થશે

ગાંધીનગરઃ  રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે ૫ જૂન-વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. આ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દિલ્હી ખાતેથી MISTHI (મેન્ગ્રુવ ઇનિશયેટીવ ફોર શોરલાઇન હેબીટાટ અને ટેંજીબલ ઇનકમ) યોજના લોન્ચ કરશે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ દિવસે રાજ્યના ૭૫ ગામોમાં સ્થાનિક ઉદ્યોગગૃહોની મદદથી પ્લાસ્ટીક એકત્રિકરણની કામગીરીનો પ્રારંભ કરાશે તથા તે પૈકીના ચાર ગામોના સરપંચશ્રીઓનું સન્માન કરાશે. MISTHI યોજનાના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતના ૧૧ દરિયાકિનારાના જિલ્લાઓમાં વિવિધ ૨૫ સ્થળોએ કાર્યક્રમો યોજી વડાપ્રધાનશ્રીના દિલ્હી ખાતેના કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. ઉપરાંત ૨૫ જગ્યાઓ પર સ્થાનિક સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા અન્ય પદાધિકારીઓને આમંત્રિત કરી મેન્ગ્રુવ વાવેતરનો પ્રારંભ કરવામાં આવશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, નડિયાદ, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગર અને સાબરકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ સ્થળોએ વૃક્ષારોપણની ઝુંબેશ હાથ ધરાશે. ઉપરાંત અમરેલી, અરવલ્લી, ગાંધીનગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી, દાહોદ, નર્મદા, પાટણ, પોરબંદર, મહિસાગર, મહેસાણા, રાજકોટ, વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લાની પસંદગીની શાળાઓમાં વૃક્ષારોપણ કરાશે. રાજ્યભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણીના વિવિધ કાર્યક્રમોમાં સ્થાનિક સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા અન્ય પદાધિકારીઓ સહભાગી થશે.